અગ્નિકાંડમાં સસ્પેન્ડ રાજકોટના સાતેય અધિકારીઓને ગાંધીનગર લઈ જવાશે

  • May 30, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બેદરકાર ગણીને સસ્પેન્ડ કરાયેલા બે પીઆઈ, મહાપાલિકાના ત્રણ અધિકારી, માર્ગ મકાન વિભાગના બે ઈજનેર સહિતના સાત અધિકારીઓને ગમ્મે તે ઘડીએ ગાંધીનગર પહોંચતા કરવાના આદેશ ઉચ્ચ લેવલે છૂટા છે અને તમામને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની વડી કચેરીએ લઈ જવા રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્રારા સાતેયને નજર કેદ રાખીને ગાંધીનગરથી સમાચાર મળ્યે તુર્ત જ રવાના થવાની તૈયારી કરી લીધાનું જાણવા મળે છે.
ગત શનિવારના રોજ આ ગેમ ઝોનમાં ભિષણ આગથી ૩૦થી વધુ વ્યકિતએ જીવ ગુમાવ્યા હતા. હાઈકોર્ટ દ્રારા સુઓમોટો અરજી અને સરકારની કરાયેલી ઝાટકણી બાદ સરકાર સફાળી જાગી હતી અને સોમવારે હાઈકોર્ટ અરજીની વધુ સુનાવણી હાથ ધરે એ પહેલા જ કંઈક એકશન લીધાનું બતાવવા માટે સરકાર દ્રારા પોલીસ લાઈસન્સ ઈશ્યુ કરનાર પીઆઈ એન.આઈ. રાઠોડ, પીઆઈ વી.આર. પટેલ તેમજ રાજકોટ મહાપાલિકાના આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોષી, આસી. એન્જિનિયર જયદીપ ચૌધરી, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર એમ.આર.સુમા અને પારસ કોઠીયાને તાત્કાલિક અસરથી ફરજ બેદરકાર બતાવીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ તમામ સાતેયને સોમવારથી જ ક્રાઈમ બ્રાંચની કચેરીમાં નજરકેદની જેમ રાખી દેવામાં આવ્યા છે. પ્રથમ દિવસથી જ એવી વાતો વહેતી થઈ હતી કે આ નાની માછલીરૂપ સાતેય અધિકારીઓ કદાચિત આરોપી બની શકે અથવા તેઓના સામે કાયદાનો ગાળિયો કસાશે.
સરકાર દ્રારા રચાયેલી સીટની કમિટીએ સરકારને પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે. જેના આધારે મહાપાલિકા, પોલીસ, પીજીવીસીએલ, માર્ગ–મકાન વિભાગની બેદરકારી હોવાનું દર્શાવાયું છે તેવી વિગતો મળી રહી છે. ગઈકાલે ગૃહમંત્રી સાથે સીટની કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ ત્યાંથી છૂટેલા આદેશ બાદ રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા, ફાયર ઓફિસર જે.બી.ઠેબા અને પીજીવીસીએલના નાયબ ઈજનેર એ.કે.ચૌહાણને ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધા છે અને ગઈકાલે રાત સુધી ત્રણેયની પૂછપરછ અને નિવેદનોની પ્રક્રિયા ચાલી હતી. અગાઉથી જ સસ્પેન્ડેડ સાતેય નજરકેદ અધિકારીઓને આજે ગાંધીનગર ડીજી તેમજ સીઆઈડી ક્રાઈમના વડા સમક્ષ રજૂ કરવામાં આવે તેવી વિગતો મળી રહી છે અને રાજકોટ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પણ આ સાતેયને ગાંધીનગર લઈ જવા માટે તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application