દેવભૂમિ દ્વારકાના ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિના મૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે
અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે તા.૨૫ નવેમ્બરથી તા.૦૬ ડિસેમ્બર સુધી યોજાશે પસંદગી પ્રક્રિયા
ભાગ લેવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા,અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનિસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
મુખ્ય કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ટેનીસના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવાનું રહેશે.
રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી - ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.