જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની ઉપસ્થિતિમાં સમગ્ર ધ્રોળ નગરપાલિકા હેઠળના ધ્રોલ પોલીસ સ્ટેશન, તેમજ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેમાં પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના સમગ્ર વિસ્તારમાં માં ચૂંટણી ફરજ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
જેના અનુસંધાને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાનના સેન્સેટીવ બુથ વાળા બિલ્ડીંગની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.
આ વેળાએ તેઓની સાથે જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, પ્રો. આઈ.પી.એસ. અક્ષેસ એન્જીનીયર, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, ઉપરાંત એલસીબીના પીએસઆઇ પી. એન. મોરી તથા એલસીબીના પોલીસ સ્ટાફ તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.વી. રાઠોડ, પંચકોશી એ. ડિવિઝનના પીઆઇ એન.એમ. શેખ તથા અન્ય પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો જોડાયા હતા. વહીવટી તંત્ર તરફથી ધ્રોલના નાયબ કલેક્ટર સ્વપ્નિલ શીશીલ પણ જોડાવા હતા.
તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સેન્સેટિવ ગણાતા મતદાન મથકોનું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ધ્રોલ નગરપાલિકા હેઠળના વિસ્તારમાં અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે ધ્રોળ ટાઉનના મુખ્ય વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, અને મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.