પીએચ.ડી.માં અનામત બેઠકોની ટકાવારી પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરવત ફેરવી દીધી

  • December 27, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શેડ્યુલ કરતાં ઘણી મોડી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી છે. પરિણામ જાહેર થઈ ગયા છે અને હવે વિદ્યાર્થીઓ પોતાના સંશોધનના વિષયો રજુ કરી રહ્યા છે.આગામી દિવસોમાં અંતિમ પસંદગી કરવામાં આવશે.પરંતુ તે પૂર્વે યુનિવર્સિટીએ કયા વિષયમાં કેટલી બેઠક અનામત કેટેગરીમાં ગણતરીમાં લેવાશે તે જાહેર કરતાની સાથે જ ભડકો થયો છે.

અનામત કેટેગરીની ગણતરીમાં લેવાની થતી બેઠક બાબતે યુનિવર્સિટીએ કરેલી સત્તાવાર જાહેરાત પછી જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર નિદત બારોટે કુલપતિ નીલામબરીબેન દવેને લેખિતમાં પત્ર પાઠવી ને જણાવ્યું છે કે યુનિવર્સિટીએ જે જાહેરાત કરી છે તેમાં શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઈબ,અધર બેકવર્ડ ક્લાસીસ અને ઇકોનોમિકલ વીકર સેક્શનમાં જે મુજબ અનામત રાખવી જોઈએ તે રાખી નથી. તેના કારણે આવી કેટેગરીના વિદ્યાર્થીઓને ભારે અન્યાય થશે. યુનિવર્સિટીએ તાત્કાલિક અનામતની કેટેગરી જળવાઈ તે મુજબ નવેસરથી સુધારો કરીને જાહેરાત કરવાની માગણી થઈ છે.

યુનિવર્સિટી દ્વારા અનામત કેટેગરી બાબતે કરાયેલી સત્તાવાર જાહેરાતનો જ સંદર્ભ આપીને ડોક્ટર નિદત બારોટે જણાવ્યું છે કે એનોટોમી વિભાગમાં 14 બેઠક છે. શેડ્યુલ કાસ્ટની સાત ટકા અનામત મુજબ એક બેઠક ગણાવી જોઈએ. પરંતુ યુનિવર્સિટીએ આમાં એક પણ બેઠક અનામત કેટેગરીમાં મૂકી નથી.

શિક્ષણમાં કુલ 54 બેઠકો છે. 7% અનામત મુજબ ચાર બેઠક મળવી જોઈએ. પરંતુ યુનિવર્સિટીએ માત્ર ત્રણ બેઠક ગણી છે. ઓબીસીમાં 27% અનામત મુજબ 15 બેઠક થવી જોઈએ પરંતુ 14 બેઠક ગણી છે તેમ જણાવ્યું છે. તમામ કેટેગરીમાં આ પ્રકારે અનામત મામલે અન્યાય થયો છે તેઓ આક્ષેપ કરતાં ડોક્ટર નિદત બારોટે જણાવ્યું છે કે પીએચડી ની કુલ 451 બેઠક જાહેર કરવામાં આવી છે. તેમાં 7% મુજબ શેડ્યુલ કાસ્ટને અનામત આપવી જોઈએ તેના બદલે યુનિવર્સિટીએ માત્ર 18 બેઠક આપી છે. શેડ્યુલ ટ્રાઇબમાં 15% મુજબ 68 બેઠકના બદલે 51 બેઠક અનામત જાહેર કરી છે. ઓબીસીની 27% મુજબ 122 બેઠક અનામત થવી જોઈએ તેના બદલે 107 બેઠક અને આર્થિક પછાત વર્ગના 10% અનામતના નિયમ પ્રમાણે 45 બેઠક થવી જોઈએ તેના બદલે 27 બેઠક જાહેર કરવામાં આવી છે.
અનામતના મામલે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગોટાળા બાબતે કુલપતિ સમક્ષ રજૂઆત કરવાની સાથોસાથ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને પણ તેની નકલ મોકલવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application