જામનગર : જામવણથલીમાં યોજાશે પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ

  • February 12, 2025 04:56 PM 


જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમુહલગ્ન સમિતિ દ્વારા આયોજિત ચૌદમાં સમૂહ લગ્નોત્સવમાં ૮૨ યુગલો આગામી તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. પછાતમાંય સૌથી પછાત એવા ભરવાડ સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપવા ગોપાલક - માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા બારમા સમૂહલગ્નનું ભવ્ય આયોજન "ગોકુળિયું નગર" જામ વણથલી અને વરક્ષા ગામ વચ્ચેનો ખારોપાટ, કેરઠિયા હનુમાનજી મંદિર પાસે, મું જામ વણથલી, તા. જી. જામનગર માં કરવામાં આવ્યું છે.

ભરવાડ સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા, વહેમ, બાધા-આખડી, દોરા-ધાગાની જગ્યાએ સામાજિક જાગૃતિના ભાગરૂપે ઘણી જ સુધારાવાદી પ્રવૃત્તિઓએ સ્થાન લીધું છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ચેતનાનો પવન ફૂંકાયો છે. સમૂહ લગ્નને કારણે ભરવાડ સમાજમાં ખૂર જ જાગૃતિ આવી છે. સમૂહ લગ્નનો મુખ્ય હેતુ દિકરા-દિકરીના લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ રોકવા, બાળલગ્નને તિલાંજલિ આપવા, કુરિવાજો અને ક્ધયા વિક્રયમાંથી મુક્ત કરવા તેમજ શિક્ષણના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવી સમાજને ઉપયોગી થવાનો હેતુ છે. હાલ ભરવાડ સમાજના આર્થિક રીતે સધ્ધર પરિવારો પણ સમૂહ લગ્નના કાર્યક્રમમાં જોડાવા તત્પર બન્યા છે. સમૂહ લગ્ન સમિતિઓનાં માધ્યમથી છેલ્લા એક દશકામાં લગભગ છ હજાર જેટલા નવદંપતિઓ સમૂહલગ્નમાં જોડાયા છે.

બારમા સમૂહ લગ્નમાં નવદંપતિઓને એકાવન જેટલી ચીજ-વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. કરિયાવરમાં સ્ટીલની કબાટ, સેટી-પલંગ, પથારી સેટ, સોનાના દાણા, પાનેતર, ટ્રાવેલ બેગ, બાજોઠ-પાટલા, દીવાલ ઘડિયાળ, સ્ટીલના બેડાં, સ્ટીલની કોઠી, મામટની ગોરી, કાંસાની તાંસળીઓ તેમજ ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ, ઠામ-વાસણ દાતાઓ તેમજ સમાજ તરફથી ક્ધયાદાનમાં આપવામાં આવશે.

આ પ્રસંગે સમાજના આસ્થાના પ્રતિક સમા ઝાઝાવડા દેવ-ઘરાના પુ. મહંત ધનશ્યામપુરીજી, દ્વારકાની મૂળવાનાથની જગ્યાના પુ મહંત બાલારામબાપા, મચ્છુ માતાજીની જગ્યા - મોરબીના પૂ. મહંત ગાંડુભગત તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો તેમજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવી પધારી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે.

તા.૧૫-૦૨-૨૦૨૫ ના રોજ મંડપારોપણ સમૂહ-લગ્નના સ્થળ પર યોજાશે. તેમાં તમામ ૮૨ ક્ધયાઓ પોતાનાં વરદ્ હસ્તે માણેક સ્તંભ રોપશે રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા.૧૬-૦૨-૨૦૨૫ ના રોજ લગ્નવિધિ દરમ્યાન પ્રાચીન લગ્નગીતો રજૂ થશે. આ ઉપરાંત ભરવાડ સમાજના નવયુવાનો તેમજ યુવતીઓ ઢોલ-શરણાઈ તેમજ ડી. જે. સાઉન્ડના તાલે ભરવાડોનું પરંપરાગત લોકનૃત્ય હુડો રજૂ કરશે.

ચૌદમા સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ ગોપ - ક્ધયાઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ- વિકસતી જાતિ દ્વારા કુંવરભાઈનું મામેરૂ તથા સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ દરેક ક્ધયાને આર્થિક સહાય સમિતિના માધ્યમથી આપવામાં આવશે.

ચૌદ મા સમૂહ લગ્ન સાથે ‘રકતદાન - મહાદાન’ સૂત્રને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ અભિયાન પ્રદર્શન જામનગર શહેર-જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠનના નેજા હેઠળ સમૂહ લગ્નના સ્થળે યોજવામાં આવેલ છે.

આ પ્રસંગે સામાજિક ક્રાંતિના વિચારને મૂર્તિમંત કરવા બેટી બચાવો - બેટી વધાવો- બેટી પઢાઓ-બેટી બિરદાવોનો સંકલ્પ નવદંપતિઓ પાસે કરાવી અવતરવા દઈએ દિકરીના આહ્વાન સાથે નાનું પરિવાર - સુખી પરિવાર પર ભાર મુકવામાં આવશે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભૂણહત્યા, બાળલગ્ન તેમજ ક્ધયાવિક્રયને તિલાંજલિ આપવા સામુહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. સાથે સરકારી નોકરીઓમાં ભરવાડ સમાજની વિવિધ પ્રતિભાસંપન્ન દિકરિયુંનું અભિવાદન કરવામાં આવશે. આ લગ્નોત્સવમાં આશરે ૪૦ થી ૪૫ હજારની સંખ્યામાં બહોળો ભરવાડ સમુદાય ઉમટશે.

ચૌદ મા સમુહ લગ્નોત્સવ-૨૦૨૫ ને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો, જુદા જુદા ગામની સમિતિઓના માધ્યમથી જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વયંસેવકોની વિવિધ કામ માટે સમિતિઓ રચવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લાના ભરવાડ ગોપાલક યુવા સંગઠનના કાર્યકરો તેમજ યુવા સંગઠનના તમામ હોદ્દેદારો સતત કાર્યરત છે. ગૌપાલક-માલધારી સમુહ લગ્ન સર્વિતિ વતી. વેજાભાઈ જોગસવા તથા મનોજભાઈ ચાવડિયા સમગ્ર વ્યવસ્થા જાળવવામાં સીધું માર્ગદર્શન આપી સંકલન જાળવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application