૧૧ ગુનામાં સંડોવણી : સુરતની લાજપોર જેલમાં ધકેલવા તજવીજ
જામનગરના માથાભારે શખ્સ સામે પાસાનું શસ્ત્ર એસપી દ્વારા ઉગામવામાં આવ્યું છે, શખ્સની અટકાયત કરીને લાજપોર જેલમાં ધકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બાલવા ગામના બે શખ્સ પાસાના પાંજરે પુરાયા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જામનગર જીલ્લામાં પ્રોહી બુટલેગર્સ, જાણીતા જુગારી તથા અસામાજીક ઇસમો પર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા તથા સીટી-બી પીઆઇ પી.પી.ઝાને સુચના કરી હતી.
જે અન્વયે પીએસઆઇ એમ.વી મોઢવાડીયા તથા એએસઆઇ મુકેશસિંહ રાણા, પો.કોન્સ વિપુલભાઇ ગઢવી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકર તરફ મોકલતા મેજીસ્ટ્રેટે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મંગળસિંહ ચૌહાણ રહે. શાંતીનગર શેરી નં. ૬, સર્વેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જામનગરવાળાનું પાસા વોરન્ટ ઇસ્યુ કરતા જે પાસા વોરન્ટની બજવણી શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકીયાએ કરી મઘ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.
આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણ સામે શરીર સબંધી, ધાક ધમકી આપવી, લુંટ, ચોરી, પ્રોહીબીશન જેવા ૧૧ ગુના નોંધાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામજોધપુરના બાલવા ગામના બે અસામાજીક ઇસમોને પાસાના પાંજરે પુરવામાં આવ્યા છે. તાજેતરમાં ડીજીપી દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપતા જામનગર સહિતના જીલ્લામાં તવાઇ બોલાવવામાં આવી હતી અને અસામાજીક તત્વો, બુટલેગરો સામે પાસા સહિતની દરખાસ્તો તૈયાર કરવામાં આવી રહી છે.