SC: દેશમાં રહેતા ગેરકાયદે વસાહતીઓનો ડેટા એકત્રિત કરવો અશક્ય: કેન્દ્ર

  • December 13, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સનો ડેટા એકત્રિત કરવો શક્ય નથી કારણ કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ ગુપ્ત રીતે દેશમાં પ્રવેશ કરે છે. સુપ્રીમ કોર્ટ નાગરિકતા કાયદાની કલમ 6એ ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી રહી છે. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવિટ આપીને આ વાત જણાવી. મહત્વનું છે કે નાગરિકતા કાયદાની આ કલમ આસામમાં ગેરકાયદેસર વસાહતીઓને લગતી છે.

કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે આ જોગવાઈ હેઠળ 17,861 લોકોને નાગરિકતા આપવામાં આવી છે. ફોરેનર્સ ટ્રિબ્યુનલના આદેશ હેઠળ, 1966 -1971 વચ્ચે 32,381 લોકોની ઓળખ વિદેશી તરીકે કરવામાં આવી છે. 7 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે1 જાન્યુઆરી,1966 થી 25 માર્ચ 1971 સુધી આસામમાં કેટલા બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી? તેનો સરકાર પાસેથી ડેટા માંગ્યો હતો. સરકારને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના ગુપ્ત રીતે દેશમાં પ્રવેશ કરે છે. ગેરકાયદેસર વસાહતીઓની શોધ કરવી, તેમની અટકાયત કરવી અને તેમને તેમના દેશોમાં દેશનિકાલ કરવો એ એક જટિલ પ્રક્રિયા છે.આવી સ્થિતિમાં દેશના અલગ-અલગ ભાગોમાં રહેતા ગેરકાયદેસર વસાહતીઓ અંગેનો ડેટા એકત્રિત કરવો શક્ય નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે 2017 થી 2022 ની વચ્ચે 14,346 વિદેશીઓને તેમના દેશમાં પાછા મોકલવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application