રિષભ પંતના ટૂંક સમયમાં કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી, રીકવરીનો VIDEO આવ્યો સામે

  • May 30, 2023 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં થયેલ ગમખ્વાર અકસ્માત બાદ ટીમથી બહાર ચાલી રહેલ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ફેન્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત ઈજામાંથી ઝડપથી રિકવર કરી રહ્યો છે અને એક મેજર સર્જરી બાદ પંતની જે બીજી સર્જરી થવાની હતી તે હવે નહીં થાય. એવું માનવામાં આવી રહ્યું છે કે તે નિયત સમય કરતાં જલદી ટીમમાં વાપસી કરી શકે છે.



30 ડિસેમ્બર 2022ની રાત્રે રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી નિષ્ણાંત ડોકટરોની મેડિકલ ટીમ રિષભ પંતની રિકવરી પર સતત નજર રાખી રહી છે. છેલ્લા 4 મહિનામાં જે રીતે તે સ્વસ્થ થયો છે તેનાથી ડોક્ટરોની ટીમ પણ ખુશ છે અને તેમને લાગે છે કે પંતને અન્ય કોઈ સર્જરીની જરૂર નથી.



રિષભ પંત હવે તેની બાકીની ઈજાઓ જાતે જ મટાડશે. ડોકટરોની ટીમ દર 15 દિવસમાં એકવાર તેની ઈજાની સમીક્ષા કરશે. તેવામાં જો પંતની રિકવરી આ રીતે જ ચાલુ રહેશે, તો પંત ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે પંતની રિકવરી અપેક્ષા કરતા સારી રહી છે. તે તેનું મનોબળ પણ વધારશે. જો તેની તબિયત રિકવર થતી રહેશે તો તે નિર્ધારિત સમય પહેલા ટીમમાં પરત ફરી શકે છે.



દિલ્હીમાં પોતાના ઘરે થોડો સમય વિતાવ્યા બાદ પંત હવે ફરીથી NCA પહોંચી ગયો છે. સૂત્રોએ જણાવ્યું કે તેનો ઉત્સાહ વધારે છે અને તે હવે ક્રેચ વગર પણ લાંબા અંતર સુધી ચાલી શકે છે. ટૂંક સમયમાં તે ટ્રેનિંગ પ્રેક્ટીસ કરતો પણ જોવા મળશે. જણાવી દઈએ કે કાર અકસ્માત બાદ ઘણા સમયથી પંત ક્રિકેટથી દૂર છે. તેના આખું વર્ષ ક્રિકેટથી દૂર રહેવાના પણ અહેવાલો છે. પંત IPL 2023માં રમ્યો ન હતો અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ નહીં રમી શકે. સાથે જ તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પણ ગુમાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application