ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં ઉમટી હકડેઠઠ જનમેદની

  • September 09, 2024 11:40 AM 

આજે ચોથા દિવસે મેળાની થશે મંગલ પૂર્ણાહુતિ: મેળા શોખીન ખુશખુશાલ



ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત સ્થિત શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાયેલા શીરૂ તળાવના લોકમેળામાં ગઈકાલે રવિવારે હજારોની સંખ્યામાં મેળા શોખીન લોકો ઉમટી પડ્યા હતા. તેઓએ ગત મોડી રાત્રી સુધી લોકમેળાની મોજ માણી હતી.


ખંભાળિયામાં રખ પાંચમના મેળા તરીકે જાણીતા શિરૂ તળાવના આ લોકમેળા કે જેનો પ્રારંભ શુક્રવારથી થયો છે, તેના ત્રીજા દિવસે રવિવારે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની મેળાની મોજ માણવા ઊમટી પડી હતી. ફક્ત ખંભાળિયા શહેર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારમાંથી ગઈકાલે રવિવાર હોવાથી સવારથી જ મેળા શોખીન લોકો મેળાની મોજ માણવા વિવિધ વાહનોમાં ઉમટી પડ્યા હતા. ગત સાંજથી આ મેળામાં જાણે પગ મુકવાની પણ જગ્યા ન હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.


અહીં વિવિધ પ્રકારની વિવિધ રાઇડ્સ તેમજ મનોરંજનના સાધનો અને ખાણીપીણીની મોજ માણવા લોકો મોડીરાત્રી સુધી અહીં રહ્યા હતા. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં સાતમ, આઠમ કે અન્ય કોઈ લોકમેળા યોજાતા નથી. ફક્ત શક્તિનગર વિસ્તારના રખ પાંચમના શીરૂ તળાવના આ લોકમેળા જ યોજાય છે. જેમાં આ ચાર દિવસમાં લાખોની સંખ્યામાં લોકો હોંશભેર જોડાય છે. જેમાં દૂર દૂરથી આવતા વિવિધ ધંધાર્થીઓ તેમજ નાના પરિવારોને સારી એવી રોજગારી પણ મળે છે.


શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવતા આ લોકમેળા માટે જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ અવિરત રીતે નજર રાખીને જરૂરી નિયમોની અમલવારી કરાવવામાં આવે છે. મીની તરણેતરના મેળા જેવી ખ્યાતિ પામેલા આ લોકમેળાની આજે સોમવારે રાત્રે પૂર્ણાહુતિ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application