મોડેલના દુષ્કર્મના આક્ષેપ બાદ રીબડાના યુવાન અમિત ખુંટનો આપઘાત

  • May 05, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ સાવરકુંડલા પંથકની વતની અને હાલ રાજકોટમાં રહી મોડેલિંગ કરતી ૧૭ વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ મારફત પરિચયમાં આવેલા રીબડાના શખસે યાજ્ઞિક રોડ પર મળવા બોલાવી હતી. બાદમાં જ્યુસ પીવડાવી બેભાન કરી તેના પર દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતાં. બીજી તરફ જેની સામે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો તે રીબડાના યુવાન અમિત ખુંટે પોતાની વાડીએ રાત્રીના ઝાડ પર ગળાફાંસો ખાઇ આપઘાતા કરી લીધો હતો.

યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે હજુ સ્પષ્ટ થયું નથી. દુષ્કર્મના આક્ષેપો બાદ યુવાને જીવનનો અંત આણી દેતા બનાવમાં સાચું શું? તેને લઇ ભારે ચર્ચા જાગી છે. હાલ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રીબડામાં રહેતા અમિત દામજીભાઇ ખુંટ નામના યુવાને ગામની સીમમાં લોધિકા રોડ પર આવેલી પોતાની વાડીએ રાત્રીના ઝાડ પર લટકી ગળાફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ થતા ૧૦૮ ના ઇએમટીએ અહીં યુવાનને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો.બીજી તરફ યુવાનના આપઘાતના પગલે સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,સાવરકુંડલા પંથકમાં રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટલમાં રહી મોડલિંગ કામ કરતી હતી. આ સમય દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફત તેનો સંપર્ક રીબડાના અમિત દામજી ખુંટ સાથે એકાદ સપ્તાહ પૂર્વે થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતા હતા.દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમિત ખુંટ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બંને સાથે જયુસ પીધું હતું ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરૂ સ્થળે હતી. સમગ્ર બનાવ અંગે સગીરાની સાથે રહેતી તેની મિત્રએ આક્ષેપ કર્યો હતો કે, આ શખસ તેને બેભાન કરી અહીંથી લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું છે.

પોલીસ દ્વારા સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવવામાં આવ્યું હતું. મોડેલ દ્વારા કરાયેલા આ ગંભીર આક્ષેપોને લઇ તપાસ શરૂ કરી હતી.દરમિયાન ગઇકાલે રાત્રીના જેના આરોપ લાગાવ્યો હતો તે અમિત નામના યુવાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણી દેતા બનાવમાં સત્ય શું? તેને લઇ ભારે ચર્ચા જાગી છે. હાલ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા યુવાનના આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. યુવાન કારખાનેદાર હોવાનું માલુમ પડયું છે.

બે બળીયાના લડાઈમાં યુવાનનો ભોગ લેવાયો? ભારે ચર્ચા

રીબડાના યુવાન અમિત ખુંટના આપઘાત બાદ રાજકારણ ગરમાયું છે. આ મામલે ચોંકાવનારા આક્ષેપો થઇ રહ્યા છે. રિબડા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું છે. તેણે જ આ છોકરાનો આપઘાત માટે મજબુર કર્યો છે. એણે જ છોકરીઓને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, અને ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી.મૃતક અમિત ખૂંટ વર્ષ 2022થી રાજકોટમાં કોઠારિયા ગામ નજીક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને પુત્ર છે. હાલ વેકેશન હોવાથી પત્ની પુત્ર સાથે પિયર સુરત ગઇ છે. મૃતકનો મોટો ભાઈ રિબડામાં રહેતો હતો. જેથી મૃતક અમિત પણ હાલ રીબડામાં જ ભાઇ સાથે રહેતો હતો. ખેતરમાં પાણી વાળવાનું કામ છે તેવું કહી યુવક ઘરેથી નિકળ્યો હતો. યુવાનના મૃતદેહ પાસેથી એક કાગળ પણ મળી આવ્યો હતો. જેમાં આ મારા ઘરના નંબર છે, આને કોઈ હેરાન નો કરતા તેવું લખ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application