માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2260 શિક્ષકોની ભરતી

  • March 10, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ પર જુના શિક્ષકોને નિમણૂક આપવાની લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા આખરે પૂરી થઈ છે અને શિક્ષણ વિભાગે 2260 શિક્ષકોને નિમણૂકના ઓર્ડર આપી દીધા છે.

જુના શિક્ષકોની ભરતીની ગયા વર્ષના અંતમાં શરૂ કરાયેલી ક્રમિક ભરતીઓ ડિસેમ્બર માસમાં પૂરી થઈ જવાની હતી પરંતુ સરકારની એજન્સીની બેદરકારી અને વિલંબના કારણે એ માર્ચ મહિનામાં પૂરી થઈ છે. સરકારે તમામ શિક્ષકોને નિમણૂક પત્રના ઓર્ડરો આપી દીધા છે અને જિલ્લા વાઈઝ શિક્ષકોની ફાળવણી પણ કરી દીધી છે. જુના શિક્ષકોની ભરતીમાં વર્ષો પછી અનેક શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જવાનો ચાન્સ મળ્યો છે.

રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ આચાર્ય આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૫ સુધી પોતાની જગ્યા પર હાજર થઇ શકશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત આચાર્યની જગ્યા માટે પસંદગી પામેલ જે કોઇ ઉમેદવારો તા.૨૬ ફેબ્રુઆરી સુધીની આપેલી સમય મર્યાદામાં હાજર થઇ શક્યા ન હોય તેવા ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શાળા અને વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સંસ્થાઓને આચાર્ય મળી રહે તેવા ઉમદા હેતુસર શાળામાં હાજર થવા માટેની આખરી મુદત તા.૧૫ માર્ચ સુધી લંબાવવા ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ક્રમિક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની સાથો સાથ આચાર્યની ખાલી જગ્યા ભરવા માટેની કામગીરી પણ પૂરી થઈ છે આ બંને મહત્વની કામગીરી પૂરી થતાં નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી પડેલી અનેક જગ્યાઓ ભરાઈ જશે અને તેના કારણે શિક્ષણની ગુણવત્તાને પણ સારી અસર થશે તેવું સરકારનું માનવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application