વાઇબ્રન્ટ ગુજરાત અને ગોકુળિયા ગુજરાતની વાતો ભૂતકાળમાં સાંભળવા મળી છે. તેવું જ કંઈક અંશે હવે શિક્ષણમાં થઈ રહ્યું છે. આધુનિક જમાનાને અનુરૂપ સ્માર્ટ ક્લાસરૂમ અને શિક્ષણમાં ડિજિટલાઈઝેશનનો વધુમાં વધુ ઉપયોગ બાબત પર ભાર મૂકવામાં આવે છે. તો બીજી તરફ ૨૦૨૪ ના નવા વર્ષના પ્રારંભથી ગુજરાત સરકારે ધોરણ ૧ અને ૨ ના વર્ગોમાં વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટ પેનની ખરીદી માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા ૮૫નો ખર્ચ કરવા અને તે અંગેની ગ્રાન્ટ દરેક શાળાઓને આપવાનો નિર્ણય ગુજરાત શાળા શિક્ષણ પરિષદની સ્ટેટ પ્રોજેક્ટ કચેરી દ્વારા લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન માટે નિપુણ ભારત નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું પૂરું નામ નેશનલ ઇનીસીએટીવ ફોર પ્રોફિશિયન્સી ઈન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી છે. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર ૨૦૨૬-૨૭ સુધીમાં બાલવાટિકાના ધોરણ બે સુધીના તમામ બાળકોમાં પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ પાટી અને પેનની ખરીદી માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૮૫ ની ગ્રાન્ટ આપવામાં આવશે. આ માટે પાટીની ખરીદી પાછળ રૂપિયા ૭૫ અને પેનની ખરીદી પાછળ રૂપિયા દસનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો આ ખર્ચ કરોડો રૂપિયામાં થવા જાય છે. પરંતુ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું એવું કહેવું છે કે બાળકોને અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગ કાર્ય દરમિયાન જરૂર પૂરતી લેખનની તક મળે છે. પરંતુ વારંવાર શ્રુતલેખન, અનુલેખન અને જાતે કશું લખવા માટેની જરૂરીયાત ઊભી થાય ત્યારે લેખન માટેની હાલની સામગ્રી સિવાય અન્ય સામગ્રી એટલે કે પાટી- પેન આપવાનું ઉચિત જણાય છે. હવે જ્યારે પાટી- પેન આપવાનો નિર્ણય લેવાય જ ગયો છે ત્યારે તેના ફાયદાનું માર્કેટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મુજબ એવી દલીલ કરવામાં આવે છે કે પાટી અને પેન વર્ષોથી ખૂબ સારી રીતે નીવડેલ ઉપકરણ છે અને પર્યાવરણ જાળવણી સંદર્ભે પણ તે ઉપકારક સાબિત થશે.
નવા પ્રોજેક્ટની તરફેણમાં એવી પણ દલીલ કરવામાં આવે છે કે પાયાના શિક્ષણમાં સચોટતા માટે બાળકો જે બાબતો વર્ગ કાર્ય દરમિયાન શીખે છે તેનો જાતે મહાવરો કરવા માટે પ્રેરાય અને વર્ગ અભ્યાસમાં દરેક બાળકો સમાન સ્તરે લેખન કાર્યમાં જોડાઈ શકે તે માટે સ્લેટ આપવાનું જરૂરી છે. સ્લેટથી બાળકો શાળામાં અને ઘરે એમ બંને જગ્યાએ લેખન માટેનો મહાવરો કરી શકશે અને આ માટેની સુવિધા પણ તેમને ઉપલબ્ધ કરવામાં આવશે. ભવિષ્યમાં અંકો, સંખ્યાઓ, મૂળાક્ષરો, શબ્દો અને સાદા વાક્યોનું અનુલેખન, શ્રુતલેખન અને સ્વયં લેખન માટે પાટી શ્રેષ્ઠ છે. વર્ગમાં બાળક દીઠ જો સ્લેટ અને પેન આપવામાં આવે તો બાળકોની લેખનની સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળે તેમ છે.
સરકારે આ પ્રોજેક્ટ માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને વિશેષ ગ્રાન્ટ ફાળવી છે અને તેમાં આવી સ્લેટ લાકડા અથવા પ્લાસ્ટિકની ફ્રેમવાળી જ ખરીદવા, પાર્ટીની અંદરનો ભાગ સંપૂર્ણપણે સારી ગુણવત્તાવાળો હોય તે જોવા, લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય તે બાબતનો ખ્યાલ રાખવા અને મણકા, લીટા કે ખાના વગરની પાટી હોવી જોઈએ તેવી પણ સૂચના આપવામાં આવી છે. પાટીનો ખૂણો ધારદાર કે વિદ્યાર્થીને ઈજા પહોંચાડે તેવો ન હોવો જોઈએ તેની પણ ખાસ કાળજી રાખવા સરકારે સૂચના આપી છે.
સરકારે ગ્રાન્ટ તો શાળાઓને આપી છે પરંતુ પાટી અને પેનની ખરીદી માટે જે તે શાળા કક્ષાએ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા કમિટી રચવાની રહેશે અને કમિટી આ સંદર્ભે નિર્ણય લેશે. ખરીદી પછી બાળકોને પાટી પેન મળે અને તેનો ઉપયોગ થાય તેના ફોલોઅપ માટે પણ સરકારે સૂચના આપી છે.
સરકારે આપેલી સૂચના મુજબ પાટીની સાઈઝ ૯ ઇંચ બાય ૧૧ ઇંચ (ફ્રેમ સાથે) હોવી જરૂરી છે. જોકે આ સ્પેસિફિકેશન મિનિમમ છે અને તેનાથી વધુ ગુણવત્તાવાળા સ્પેસિફિકેશન કે મોટી સાઇઝની સ્લેટ માર્ગદર્શિકામાં જણાવેલ મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદવાની પણ છૂટ આપવામાં આવી છે. સરકારની સૂચના મુજબની આ સ્લેટ છે કે નહીં તેની ચકાસણી સી.આર.સી.કો- ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવશે. તાલુકા કક્ષાએ પ્રત્યેક તાલુકાની ૧૦% શાળાઓમાં બીઆરસી કો-ઓર્ડીનેટર આવી ચકાસણી કરશે. અસલ બિલ માં દર્શાવેલ સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે તેનું મેળવણું કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ ખરીદી માટે એક કમિટીની રચના કરવામાં આવશે અને આવી કમિટી જિલ્લા કક્ષાની પાંચ ટકા શાળાઓમાં સરકારના સ્પેસિફિકેશન અને ગુણવત્તા મુજબની પાટી છે કે નહીં તેની ચકાસણી કરશે. જે તે કમિટી દ્વારા ચકાસણી કર્યા પછી તેનો રિપોર્ટ સરકારને મોકલવાનો રહેશે.
અત્યારના આ યુગમાં પાર્ટી અને પેન જૂની બાબત બની ગઈ છે. અત્યારના યુવાનોને પણ પાટી અને પેન વળી કઈ બલા છે? તેની પણ ખબર નથી. બાળક એક -બે વર્ષનું થાય ત્યારથી મોબાઈલ ઓપરેટ કરતા શીખી જતું હોય છે. ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ પણ આસાનીથી તે વાપરતા હોય છે તેવા માહોલમાં હવે ફરી પાટીની રી -એન્ટ્રી શિક્ષણ જગત માટે અને બાળકો માટે કેટલી અસરકારક, કારગત અને ઉપયોગી બનશે ?એ સવાલનો જવાબ તો ભવિષ્યમાં મળશે. હજુ ગયા શુક્રવારે ગુજરાત સરકારે તેમના બજેટની જાહેરાત કરી છે અને તેમાં પ્રાથમિક શાળાઓમાં બે લાખ કોમ્પ્યુટર આપવાની, વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાની અને ડિજિટલના ઉપયોગ વધારવા માટે બજેટમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ વખતે તો બજેટમાં તારાંકિત પ્રશ્નો માટે દરેક ધારાસભ્યોને ઓનલાઇન પૂછવા જણાવ્યું હતું. આ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. પરંતુ બજેટ સત્રના દિવસે અપાયેલી ટ્રેનિંગ ભુલાઈ જતા આ સમગ્ર કાર્યક્રમનો પૂરેપૂરો અમલ થઈ શક્યો ન હતો. વિધાનસભાના અધ્યક્ષે પણ ફિઝિકલ અને ડિજિટલ એમ બંને સિસ્ટમ ચાલુ હોવાની જાહેરાત કરવી પડી હતી. સરકાર એક બાજુ કોમ્પ્યુટર યુગમાં જવાની અને આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની વાત કરી તે મુજબની યોજનાઓ અમલમાં મૂકે છે. તો બીજી બાજુ હવે પાટી પેન શા માટે ?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.જુના જમાનામાં પાટી પેન હતા અને ત્યારે સારા અક્ષરને વધારાના માર્ક્સ પણ આપવામાં આવતા હતા પરંતુ હવે લખવાનું લગભગ નહિવત થઈ ગયું છે. મોટાભાગના કામો કોમ્પ્યુટરમાં થાય છે અને તેથી સુંદર અક્ષરની કોઈ જરૂરિયાત નથી. હવે તો ભણેલા ગણેલા લોકો પણ અંગૂઠો મારીને હાજરી પૂરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech