રામ રહીમને સાડા સાત વર્ષમાં ૮ વખત ચૂંટણી પહેલા મળી પેરોલ પર જેલમુકિત

  • January 29, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર ૩૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. જાણે ભાજપ સરકાર રામ રહીમ પ્રત્યે સંપૂર્ણપણે દયાળુ છે. યારે પણ વિધાનસભા કે અન્ય ચૂંટણીઓ યોજાય છે, ત્યારે રામ રહીમને સરળતાથી પેરોલ મળી જાય છે. અમે આ નથી કહી રહ્યા. આંકડા આ વાતની સાક્ષી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષમાં, રામ રહીમને એક યા બીજી ચૂંટણી દરમિયાન પેરોલ આપવામાં આવ્યો છે. આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રામ રહીમ જેલમાંથી બહાર આવ્યો છે.
સાડા સાત વર્ષમાં પહેલીવાર રામ રહીમને સિરસા આશ્રમ જવાની પરવાનગી આપવામાં આવી છે. ડેરા પ્રમુખ ૬ ફેબ્રુઆરી સુધી અહીં રહેશે અને આ પેરોલ દરમિયાન, ૫ ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન પણ થવાનું છે. બીજી તરફ, હરિયાણામાં માર્ચ મહિનામાં નાગરિક ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પણ રામ રહીમને ૨૧ દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. ૨૦૧૭ માં, સાધ્વીઓનું યૌન શોષણ અને પત્રકારની હત્યાના દોષિત રામ રહીમ ૧૨મી વખત જેલમાંથી બહાર આવ્યો છે. આમાંથી, તે ૮ વખત ચૂંટણી પહેલા જેલમાંથી મુકત થયો છે. ગઈકાલે રામ રહીમ સિરસા પહોંચ્યો અને ડેરામાંથી એક વીડિયો જાહેર કર્યેા, જેમાં તેમણે તેમના અનુયાયીઓને આશ્રમમાં ન આવવા અપીલ કરી. જોકે, લોકો હજુ પણ મોટી સંખ્યામાં આશ્રમ પહોંચ્યા હતા. સિરસા આશ્રમની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, રામ રહીમને લોકસભા ચૂંટણી પહેલા ૫૦ દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. આમ, ૩ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બરોડા પેટાચૂંટણી પહેલા, ૨૪ ઓકટોબર ૨૦૨૦ ના રોજ રામ રહીમ ૨૪ કલાક માટે જેલમાંથી બહાર આવ્યો. આ પછી, ૨૧ મે ૨૦૨૧ ના રોજ, તેને તેની બીમાર માતાને મળવા માટે એક દિવસનો પેરોલ આપવામાં આવ્યો. પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રામ રહીમ ૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૨૧ દિવસની રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો. ૧૭ જૂન ૨૦૨૨ના રોજ હરિયાણા નાગરિક ચૂંટણી દરમિયાન ૩૦ દિવસના પેરોલ, ૧૫ ઓકટોબર ૨૦૨૨ના રોજ હરિયાણા પંચાયત ચૂંટણી દરમિયાન ૪૦ દિવસના પેરોલ અને આ દરમિયાન ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. ૨૦૨૩માં, ૨૧ જાન્યુઆરીએ ૪૦ દિવસના પેરોલ, ૨૦ જુલાઈએ ૩૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. રાજસ્થાન ચૂંટણી દરમિયાન, ૨૧ નવેમ્બરે ૨૧ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન, ૨૦૨૪ માં લોકસભા ચૂંટણી દરમિયાન, ૧૯ જાન્યુઆરીએ, ભાજપ સરકારે બાબાને ૫૦ દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.
હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન, ૧૩ ઓગસ્ટના રોજ ૨૧ દિવસની રજા મંજૂર કરવામાં આવી હતી, અને ચૂંટણીના માત્ર ચાર દિવસ પહેલા ૧ ઓકટોબરના રોજ ૨૧ દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી. હવે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના એક અઠવાડિયા પહેલા, રામ રહીમને ૩૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની સજા દરમિયાન ભાજપ સરકારે રામ રહીમને ૩૦૦ દિવસની રજા એટલે કે પેરોલ અને ફર્લેા આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application