રાજકોટમાં આબેહૂબ અયોધ્યા મંદિરના દર્શન કરવા હોય તો પહોંચી જજો અટલ સરોવર, વર્લ્ડ રેકોર્ડ પણ બનશે, જાણો આવો છે આખો કાર્યક્રમ

  • January 19, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

22 જાન્યુઆરી, 2023ના રોજ રામજન્મ ભૂમિ  અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પુરૂ થશે. જેને લઈ સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં 9 દિવસનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં 1500 ફૂટમાં રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે. 


અહીં લોકો ફ્રિમાં ભગવાન રામનાં દર્શન કરી શકશે. રોજ સાંજનાં 4થી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં 22 જાન્યુઆરીએ 1008 બાળકો શ્રીરામ બની વર્લ્ડ રેકોર્ડ કરશે. જ્યારે 26 જાન્યુઆરીએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.


ભગવાન રામની અયોધ્યા જેવી જ પ્રતિમા તૈયાર કરાઈ
અટલ સરોવર ખાતે લોકો વિનામૂલ્યે રામમય માહોલનાં દર્શન કરી શકે તે માટે અટલ સરોવરમાં પ્રવેશ માટે અલગ ગેટ બનાવવામાં આવ્યો છે અને લોકોને નિઃશુલ્ક પાસ વિતરણ કરાયું છે. તેમજ સ્થળ ઉપર પણ ખાસ સ્ટોલ પરથી લોકોને ફ્રી પાસ આપીને વિનામૂલ્યે પ્રવેશ આપીને દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવાના અવસર માટે આબેહૂબ અયોધ્યા જેવી જ ભગવાન રામની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સાથે વિશાળ ગદા પણ બનાવવામાં આવી છે.



સંપૂર્ણ આયોજન 18થી 26 સુધી જાન્યુઆરી સુધી ચાલશે
આ માટે 1500 ફૂટ જેટલી વિશાળ જગ્યામાં અવનવા ધાર્મિક ફ્લોટ, મૂર્તિ તથા પૌરાણિક ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે. આ આયોજનમાં ભગવાન શ્રીરામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ મંદિર બનાવાયું છે. આ મંદિર પરિસરમાં ભાવિકો ભક્તો મંદિરની અંદર જઈ દર્શનનો લાભ લઈ શકશે. આ કાર્યક્રમ માટે સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપનાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંપૂર્ણ આયોજન 18થી 26 જાન્યુઆરી સુધી ચાલશે. 26 જાન્યુઆરીએ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિતે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



નવ દિવસીય ઉજવણીનું આયોજન
સનાતન ધર્મરક્ષક સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ વિજય વાંકે જણાવ્યું છે કે, અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં નિર્માણને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેનાં અંતર્ગત સનાતન ધર્મરક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા નવ દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જે લોકો અયોધ્યા જઈ શક્યા નથી, તેના માટે રાજકોટનાં સ્માર્ટ સિટીમાં આવેલા અટલ સરોવર ખાતે 1500 ફૂટ વિશાળ જગ્યામાં અયોધ્યા જેવો રામમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી અહીં લોકો નિઃશુલ્ક દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.



કસુંબલ લોકડાયરાનું આયોજન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતેનાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં દિવસે એટલે કે, 22 જાન્યુઆરી માટે ખાસ ઉજવણી કરવામાં આવશે. જેમાં ભગવાન રામનાં ગુણગાનની સાથે 1008 બાળકો શ્રીરામ બનીને વર્લ્ડ રેકોર્ડ સર્જે તેનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 1008 બાળકો હશે. તેનાથી વધુ હોય તેવું પણ બની શકે છે. આ કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ થશે. જ્યારે 26 જાન્યુઆરી રાત્રે 8.30 કલાકે ભવ્ય કસુંબલ લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application