રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

  • August 01, 2024 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે શ્રી નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી.


આ પ્રસંગે, પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને લાયન એટ 2047 : અમૃતકાળની પરિકલ્પના’ ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.


પુસ્તક અર્પણ કર્યા બાદ, પરિમલ નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં, વડાપ્રધાનએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરીયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાનએ આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની પરિમલ નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેર જીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ) નો પ્રત્યુત્તર આપ્યો છે.


‘કોલ ઓફ ધ ગીર’ એ પરિમલ નથવાણીની વધુ એક કોફી-ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ 2017 માં, પરિમલ નથવાણીએ પુસ્તક ‘ગીર લાયન્સઃ પ્રાઈડ ઓફ ગુજરાત’ લખ્યું હતું, જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ (ટીજીબી) દ્વારા કરાયું હતું.


રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News