રાજકોટ બન્યું અગનગોળો: લીલાછમ પ્રધુમન પાર્ક ઝૂએ ૪૬.૨૪ અને રેસકોર્સએ ૪૫.૮૨ ડિગ્રી

  • April 05, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૈત્રી દનૈયા તપતાની સાથે જ રાજકોટ શહેર અગનગોળો બની ગયું હોય તેવો તાપ વરસી રહ્યો છે. આકાશમાંથી જાણે અંગારા વરસતા હોય તેવી ગરમી વર્તાઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આઇવે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ મુકાયેલા સીસીટીવી કેમેરામાં તાપમાન માપી શકાય તે માટેની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તે સિસ્ટમમાં નોંધાયેલા તાપમાન મુજબ લીલાછમ પ્રધુમન પાર્ક ઝુ વિસ્તારમાં ૪૬.૨૪ ડીગ્રી અને જયાં આગળ શહેરનો સૌથી મોટો ગાર્ડન આવેલો છે તે રેસકોર્સ રીંગ રોડ વિસ્તારનું મહત્તમ તાપમાન ૪૫.૮૨ ડીગ્રી નોંધાયું છે. અલબત હવામાન વિભાગમાં નોંધાતા મહત્તમ તાપમાનનો આકં આથી ઓછો છે. આકાશમાંથી અગન વર્ષા વરસવાની સાથે જ પ્રદુષણના કારણે રાજકોટ શહેરમાં ઓઝોન વાયુનું સ્તર ડાઉન થયું હોય ચામડી ચીરી નાખે તેવા અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રમાણ પણ ભયજનક હદે વધ્યું છે.
રાજકોટ શહેરમાં દર વર્ષે ઉત્તરોતર મહત્તમ તાપમાન વધી રહ્યું છે. શહેરમાં કાગળ ઉપર તો વૃક્ષારોપણ દર વર્ષે વધે છે પરંતુ વાસ્તવિક વૃક્ષારોપણ ઘટી રહ્યું છે. તદઉપરાંત શહેરમાં વધતા જતા વાહનો અને ઉધોગોના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.
રાજકોટ શહેરમાં પરિવારદીઠ એક વૃક્ષ નથી પરંતુ પરિવારમાં જેટલી સભ્ય સંખ્યા છે તેટલા વાહનો છે તેના કારણે પર્યાવરણની ઘોર ખોદાઇ ગઇ છે અને દર વર્ષે તાપમાન ઉંચકાઇ રહ્યું છે. રાજકોટ મહાપાલિકાએ યુએસની એજન્સી સાથે એમઓયુ કર્યા છે અને આ એમઓયુ અંતર્ગત આ એજન્સી રાજકોટના તાપમાનમાં થતાં ચઢાવ ઉતાર અને વરસાદ સહિતની બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે. રાજકોટનું કલાઇમેટ કયા કારણોસર આટલી હદે બદલાઇ રહ્યું છે તે હવે સંશોધનનો વિષય બની ગયું છે. રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેકટના કેમેરામાં ગઇકાલે બપોરે ચાર વાગ્યે નોંધાયેલું તાપમાન એ ચાલુ ઉનાળાનું આ સિઝનનું સૌથી વધુ તાપમાન જણાઇ રહ્યું છે. જેમાં પ્રધુમન પાર્ક ઝુ વિસ્તારમાં ૪૬.૨૪ ડીગ્રી અને રેસકોર્સ ગાર્ડન વિસ્તારમાં ૪૫.૮૨ ડીગ્રી તાપમાન નોંધાયું છે. શહેરમાં કુલ ૧૯ સ્થળોએ તાપમાન નોંધવાની વ્યવસ્થા છે.

કયાં  કેટલું  તાપમાન
પારેવડી ચોક  ૪૩.૪૬
રેસકોર્સ ગાર્ડન  ૪૫.૮૨
કોઠારીયા  ૪૫.૪૭
મહિલા કોલેજ ચોક  ૪૪.૩૫
જડુસ ચોક  ૪૪.૫૦
મોરબી રોડ  ૪૨.૯૫
દેવપરા   ૪૪.૧૮
અટીકા  ૪૨.૮૨
રેલવે જંકશન  ૪૧.૬૭
ત્રિકોણબાગ  ૪૪.૯૧
કોર્પેારેશન ચોક  ૪૬.૨૨
જામટાવર ચોક  ૪૪.૯૯
રામાપીર ચોકડી  ૪૨.૪૮
સોરઠીયાવાડી  ૪૨.૮૫
નાનામવા ચોક  ૪૪.૩૦
પ્રધુમન પાર્ક ઝુ  ૪૬.૨૪





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application