રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળશે તેવી જાહેરાત 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કરવામાં આવી હતી અને 2024 ની લોકસભાની ચૂંટણી પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. લાંબો સમયગાળો પસાર થઈ જવા છતાં હજુ સુધી રાજકોટના એરપોર્ટ પરથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઊડી નથી. નજીકના ભવિષ્યમાં ઉડે તેવી કોઈ શક્યતા નથી. ગયા શનિવારે રાજકોટની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના સંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડીએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ નામ આપવાથી એરપોર્ટ ઇન્ટરનેશનલ બની જતું નથી. રાજીવ પ્રતાપ રૂડીની આ વાત યુનિવર્સલ ટ્રુથ જેવી એટલે કે સનાતન સત્ય જેવી છે. રાજકોટવાસીઓ જેટલી વહેલી તેનો સ્વીકાર કરશે તેટલું તેના હિતમાં રહેશે.
ઇન્ટરનેશનલ એરપોર્ટની વાતો કરીને લોકલ એરપોર્ટ જે શહેરની મધ્યમાં હતું તે 35 કીલોમીટર દૂર ખસેડી દેવામાં આવ્યું છે. રાજકીય પક્ષોના દબાણ અને લોક લાગણીને ધ્યાનમાં રાખી રોષ ઠંડો પાડવા માટે એરપોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીએ ’આગામી ઓક્ટોબર માસથી રાજકોટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ જશે’ તેવી જાહેરાત કરી છે. પરંતુ આવા એક બે નહીં...પરંતુ અનેક ઓક્ટોબર મહિનાઓ પસાર થઈ ગયા પછી પણ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાની નથી તે વરવી વાસ્તવિકતા છે. રાજકોટવાસીઓ આ વાત જેટલી વહેલી સ્વીકારી લે તેટલું તેના હિતમાં રહેશે તેમ એવીએશન ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે.
આંકડાકીય માહિતીઓ સાથે વાત કરતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના અધિકારીઓ જણાવે છે કે એરપોર્ટના ખચર્ઓિ કાઢવા અને આવક રળવા માટે જો જરૂરી પેસેન્જર અને એર કાર્ગો ટ્રાફિક તથા અન્ય આવકો મળે તો જ એરપોર્ટ ટકી શકે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે આવું કશું નથી. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેના જે કોઈ માપદંડ છે તેના એક પણ માપદંડમાં રાજકોટને એક ટકા પણ માર્ક મળે તેવી શક્યતા નથી. આમ વાસ્તવિક દ્રષ્ટિએ રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તેવી કોઈ શક્યતા નથી.
એવીએશન ડિપાર્ટમેન્ટના આ અધિકારીઓ પોતાની વાત દેશના અન્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આંકડાકીય માહિતીઓ સાથે કરતા જણાવે છે કે દિલ્હી એ દેશની આર્થિક રાજધાની છે. રેવન્યુ મોડલની દ્રષ્ટિએ તે દુનિયાના ટોપ 50 એરપોર્ટમાં દસમા ક્રમે છે. અહીં વાર્ષિક સાડા સાત કરોડ પેસેન્જરોની મુવમેન્ટ રહે છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 71 એરલાઇન્સ ઓપરેટરો છે. કાર્ગોમાં 24 એરલાઇન્સ સર્વિસ છે. સમગ્ર દુનિયાના 500 ડેસ્ટિનેશનમાં પહોંચવા માટે દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ ઉડે છે. દરરોજની 1,500 ફ્લાઈટ અહીંથી ઉડે છે.
દેશના આર્થિક રાજધાની એવા મુંબઈ શહેરના એરપોર્ટનું સ્થાન આ લિસ્ટમાં 27માં ક્રમે છે. મુંબઈ એરપોર્ટ સાથે 56 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટરો સર્વિસ આપે છે. 27 કાર્ગો ઓપરેટરો છે અને મુંબઈથી દેશ- વિદેશના 400 ડેસ્ટિનેશન પર જઈ શકાય છે. વાર્ષિક સાડા પાંચ કરોડ પેસેન્જર ટ્રાફિક છે અને દરરોજની 1000 ફ્લાઈટ ઉડે છે.
ભારતના આઈટી કેપિટલ તરીકે જાણીતા બેંગલુરુમાં 500 જેટલી આઇટી કંપ્નીઓ છે અને તેના એરપોર્ટ પર 39 એરલાઇન્સ ઓપરેટરો જોડાયા છે. કાર્ગો ઓપરેટિંગ ક્ષેત્રે 23 કંપ્ની છે અને બેંગ્લોર થી 300 જેટલા ડેસ્ટીનેશન પર જઈ શકાય છે. 4 કરોડ પેસેન્જરોની વાર્ષિક મુવમેન્ટ અહીંથી છે અને દરરોજની 750 ફ્લાઇટ આવનજાવન કરે છે.
ચેન્નઈમાં 34 પેસેન્જર સર્વિસ ઓપરેટરો અને 16 કાર્ગો સર્વિસ ઓપરેટરો છે. ચેન્નઈથી 300 સ્થળોએ જઈ શકાય છે. દરરોજની ચાર ફલાઈટ અહીંથી ઓપરેટર થતી હોવાથી વાર્ષિક બે કરોડ જેટલા પેસેન્જર ચેન્નઈ એરપોર્ટનો લાભ લે છે. ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ જેવા એરપોર્ટ આઇટી અને પોર્ટના કારણે વધુ મહત્વના બની ગયા છે. આ મુજબ દિલ્હીથી દર એક કલાકમાં 63 ફ્લાઇટ એટલે કે દર મિનિટે એક ફ્લાઈટ, મુંબઈમાં દર દોઢ મિનિટે, બેંગ્લુરુમાં દર બે મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થાય છે.
દેશના આ મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટની વાતો કર્યા પછી હવે ગુજરાતના ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ સુરતથી એક માત્ર દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ મળે છે તે સિવાય કોઈ ફ્લાઈટ નથી. અમદાવાદની વાત કરીએ તો અહીં વાર્ષિક સરેરાશ 1.02 કરોડ પેસેન્જરની આવનજાવન થાય છે. 200 ફલાઈટ ટેક ઓફ કરે છે. 29 ઓપરેટરો છે. કાર્ગો હેન્ડલિંગમાં પાંચ ઓપરેટરો છે અને દેશના 265 ડેસ્ટિનેશનને તે કવર કરે છે.
કોઈપણ એરપોર્ટ તેના પેસેન્જર ટ્રાફિક અને ટિકિટ પર જ માત્ર નભતું નથી આ મહત્વની આવક છે પરંતુ તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગ જેમ કે ફ્યુઅલ ભરાવવા, એરપોર્ટમાં આવેલા શોરૂમમાંથી ખરીદી, એરપોર્ટના હેગરનો પ્લેનના પાર્કિંગ માટે ઉપયોગ, ડયુટી ફ્રી શોપ, કસ્ટમ અને ઇમિગ્રેશનની આવક વગેરે બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે. રાજકોટ એ કાંઈ દિલ્હીની જેમ દેશનું કેપિટલ નથી, મુંબઈની જેમ આર્થિક રાજધાની નથી, કલકત્તા બેંગલુરુ ચેન્નઈની જેમ પોર્ટ કે આઈટી સીટીમાં તેનું નામ નથી. અહીં કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેના કારણે અહીંનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલે, મોરબીના થોડા ઘણા ઉદ્યોગો છે પરંતુ તેમાંથી મોટાભાગનાની કોર્પોરેટ ઓફિસ અમદાવાદમાં છે. રાજકોટમાં જમીન મકાનના ધંધા સિવાય ખાસ કોઈ અંતરરાષ્ટ્રીય કક્ષાની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, મોટા ઉદ્યોગો કે તેવું કશું ન હોવાથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક પણ માપદંડમાં એક ટકા પણ ફીટ આવતું નથી. દરરોજની માત્ર સરેરાશ 10 જેટલી ફ્લાઈટ અહીંથી ઓપરેટ થાય છે. આ વરવી વાસ્તવિકતા છે અને પચાવવી થોડીક અઘરી પણ છે.
હકીકતમાં જ્યાં સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ ન થઈ જાય ત્યાં સુધી રાજકોટના જુના એરપોર્ટ નું સ્થળાંતર કરવાની કોઈ જરૂરિયાત ન હતી અને હજુ પણ ખાસ કંઈ મોડું થયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વાય.બી.ચંદ્રચુડ, ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી .આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેવા વીવીઆઈપી જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમના માટે જૂનું એરપોર્ટ ચાલુ કરી દેવાયું છે. હવે પ્રજા માટે પણ તે ચાલુ કરવું જોઈએ તેવી માગણી ધીમે ધીમે ઉઠી રહી છે. અત્યારે તો લોકોને 35 કિલોમીટર દૂર હીરાસર સુધી જવું પડે છે અને રૂપિયા 2,500 થી 3000 સુધીના ટેક્સી ભાડા ચૂકવવા પડે છે. બે થી ચાર કલાકનો વધારાના સમયનો બગાડ પણ થાય છે.
જ્યારે હીરાસરનું એરપોર્ટ ચાલુ થયું ત્યારે જ હવે જુના એરપોર્ટની જમીનનું શું થશે તેવા સવાલો ઉઠવાનું શરૂ થયું છે પરંતુ પ્રારંભિક કાળમાં આ જમીન 2,500 કરોડની હોવાનું જણાવતું હતું અને છેલ્લા થોડા દિવસોથી ફરી આ વાતો શરૂ થઈ છે. અમુક લોકો આ જમીન લીઝ પર હોવાથી તે પાછી મેળવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે અને આ સમગ્ર પ્રકરણ અત્યારે તો રાજકારણના ચક્રવ્યુહમાં ફસાયું હોય તેવું લાગે છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જામનગર પ્રબળ દાવેદાર
સલામતીની દ્રષ્ટિએ મહત્વના એવા જામનગર એરપોર્ટ પર ગયા ફેબ્રુઆરી- માર્ચ માસમાં માત્ર 10 દિવસમાં સાડા ત્રણસોથી 400 જેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવી- ગઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી -વેડિંગ ફંક્શનના અનુસંધાને તારીખ 25 ફેબ્રુઆરી થી પાંચ માર્ચ સુધી જામનગરના આ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપી કસ્ટમ ઈમિગ્રેશન સહિતની સુવિધા રાતોરાત ઉભી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં દ્વારકા જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો છે. રિલાયન્સ એસ્સાર જેવી મોટી ઇન્ડસ્ટ્રી છે. અમદાવાદ કરતાં રાજકોટ દ્વારકા પોરબંદર જુનાગઢ જેવા જિલ્લાથી તે નજીક છે તેવા મુદ્દાને આગળ રાખીને કદાચ ભવિષ્યમાં જામનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે દાવો કરે તો પણ નવાઈ નહીં તેવું સૂત્રો જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech