સગીરાના અપહરણના કેસમાં રાજકોટના આરોપીને સાત વર્ષની સખત કેદ

  • February 21, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની સ્પેશિયલ પોકસો કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો


રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને લઈ ગયો હતો.


આરોપી દ્વારા સગીરાને એક હોટલમાં લઈ જઈ અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભોગ બનનારને આરોપીએ લાલપુર તેના મિત્રને ત્યાં મોકલી આપી હતી અને પછી લઈ જઈશ તેમ કહી લેવા ગયો ન હતો. આ બાદ આરોપીએ ભોગ બનનારનો ફોન પણ ઉપાડ્યો ન હતો. જેથી તેણીએ જામનગર પરત આવી અને ત્યાંથી રાજકોટ નીકળી ગઈ હતી. જ્યાં ભોગ બનનારના પિતા અને સંબંધીઓ શોધખોળ કરતા હતા. આ દરમિયાન રાજકોટ ખાતેથી મળી આવેલી વિગતવાર ફરિયાદ સગીરાના પરિવારજનો દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા આ અંગે પોલીસે અપહરણની કલમ 363, 366, 376 તથા પોક્સો હેઠળ નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી યુ.કે. મકવા દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીના મેડિકલ નમૂના મેળવી અને એફ.એસ.એલ.માં મોકલ્યા હતા. આ પ્રકરણમાં અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ કેસ અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ભોગ બનનારની જુબાની તેમજ લેવામાં આવેલા નિવેદનો સહિત જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા વિવિધ મુદ્દે કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને સ્પેશિયલ પોકસો કોર્ટના જજ શ્રી એસ.જી. મન્સુરીએ આરોપી જયદીપ કાનાભાઈ ભેડાને જુદી જુદી કલમ હેઠળ કુલ સાત વર્ષની કેદની સખત કેદની સજા તેમજ રૂપિયા 20,000 નો રોકડ દંડ ફટકાર્યો હતો.


આ પ્રકરણમાં ભોગ બનનાર સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પનસેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application