ધોરાજી અને ઉપલેટા પંથકમાં અનરાધાર 15 ઇંચ જેટલા વરસાદના કારણે ચોતરફ પાણી ફરી વળ્યાં છે, તેવી સ્થિતિમાં ધોરાજીનું કલાણા ગામ પાણીના વહેણના કારણે સંપર્કથી વિખૂટું પડી ગયું હતું. આ પરિસ્થિતિમાં રસ્તા પર વાહનો ચલાવવા અતિ મુશ્કેલ બની ગયા હતાં તે સમયે કલાણા ગામની 20 વર્ષીય સગર્ભા વનીતાબેન મહેન્દ્રભાઈને પ્રસુતિની પીડા ઉપડતા આજે સવારે ૧૦૮ બોલાવવામાં આવી હતી.
અનરાધાર વરસાદ અને પાણીના ભારે વહેણના કારણે સગર્ભાને લેવા ૧૦૮ ગામમાં પહોંચે એ સમયે જ આ સગર્ભાને હોસ્પિટલ સુધી લઈ જવામાં વચ્ચે આવતા તમામ ગામોના રસ્તા પર પાણીના વહેણ ફરી વળતા એમ્બ્યુલન્સ રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ મુશ્કેલીની વેળાએ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે તેમ હોઈ ધોરાજી મામલતદારને જાણ કરવામાં આવી હતી. જેઓએ ગામના સરપંચ સાથે ચર્ચા કરી ૧૦૮ ને યોગ્ય રસ્તે બહાર લાવવા ગામના સરપંચને જણાવાયું હતું. આ સમયે ગ્રામજનોએ ટ્રેકટરની મદદથી રસ્તાનો અંદાજ કાઢી પાણી કેટલા ફૂટ રસ્તા પર વહે છે અને વહેણનું જોર કેટલું છે તે જાણ્યા બાદ પાછળ પાછળ ૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ આગળના ગામ ઉપલેટાના કાથરોટાની પણ આજ પરિસ્થિતિ હતી. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોઈ આ તકે ઉપલેટા મામલતદાર મદદે આવ્યા હતાં. તેઓએ સરપંચને જાણ કરી ગામના અન્ય રસ્તે ૧૦૮ બહાર નીકળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાથરોટા ગામમાંથી સલામત બહાર નીકળ્યા બાદ સમઢીયાળા ગામે પણ પાણીના વહેણ રસ્તાઓ પર ફરી વળ્યાં હતાં. આ તકે મામલતદારે પોતે જ દોરડા બાંધી વહેણ વચ્ચે એમ્બ્યુલન્સ સુધી પહોંચી દર્દીની ખબર લીધી હતી. તેમજ જરૂર પડ્યે જે.સી.બી. માં દર્દીને લઈ જવા તૈયારી દર્શાવી હતી. પરંતુ દર્દીને કોઈપણ પ્રકારનું જોખમ ના લેવાની સ્થિતિમાં અન્ય રસ્તે એમ્બ્યુલન્સ આગળ વધારી ત્રણ કલાકની જહેમત બાદ ૧૦૮ ઉપલેટા સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ પહોંચી હતી.
૧૦૮ ના પ્રોજેક્ટ મેનેજર શ્રી ચેતનભાઈ ગાધેએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સવારના ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધીના ઘટનાક્રમ દરમ્યાન સગર્ભાની તબિયત અંગે સતત માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું હતું. ટીમ દ્વારા વિડીયો કોલ કરી જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ માટે ટીમ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ મુશ્કેલીના આ સમયમાં મહિલાને સતત હિંમત પુરી પાડતી ટીમ હોસ્પિટલ સુધી દર્દીને સુખરૂપ પહોંચાડવા સફળ રહી હતી. સગર્ભાને સલામતીપૂર્વક ઉપલેટા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓની તપાસ બાદ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું છે.
જૂઓ વીડિયો
આ તકે કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપલેટા મામલતદાર શ્રી એમ.ટી. ધનવાણી, નાયબ મામલતદાર શ્રી મહેશ ડરંગીયા અને ધોરાજી મામલતદારશ્રી એ.પી.જોશી, પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં માનવીય મદદ કરી હતી. કલેકટરશ્રીએ ૧૦૮ અને ધોરાજી તેમજ ઉપલેટાની વહીવટી તંત્રની સમગ્ર ટીમને આ તકે અભિનંદન પાઠવ્યા છે.
ચોમાસાની ઋતુમાં ખુબ જ કઠિન પરિસ્થિતિમાં પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ઇમર્જન્સીમાં દર્દીને સધિયારો પૂરો પાડવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ તકે પૂરું પાડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech