રેલનગરનો બ્રિજ ખુલ્યો: પાણી ટપકશે પણ ભરાયેલું નહીં રહે

  • December 11, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2017માં લોકાર્પિત કરાયેલા રેલનગર અન્ડર પાસની દિવાલોમાંથી સતત પાણી નીકળતું હોય તેના લીધે સિમેન્ટ રોડ સતત ભીનો રહેતો હોય આ અન્ડર પાસ સ્લીપરી બની ગયો હતો અને દરરોજ અનેક ટુ વહીલર ચાલકો અહીં સ્લીપ થતા હતા. વ્યાપક રજૂઆતો બાદ અન્ડર પાસનું રિપેરિંગ કરવા નિર્ણય કરી કુલ 74 લાખના ખર્ચે બ્રિજનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરાયું છે, અલબત્ત આટલા ખર્ચ પછી પણ આ અન્ડર પાસની દિવાલોમાંથી પાણી તો ટપકશે જ, પણ હવે પાણી ભરાયેલું નહીં રહે. જો કે સમસ્યા ખરેખર ઉકેલાઇ છે કે નહીં તેના તો હવે નિવડ્યે વખાણ થશે.

વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.27-9-2023ના રોજ આ અન્ડર પાસ ઉપર વાહન વ્યવહાર બંધ કરી મેન્ટેનન્સ વર્ક શરૂ કરાયું હતું જેમાં 73 દિવસ સુધી રિપેરિંગ ચાલ્યું હતું અને આજે તા.11 ડિસેમ્બરના સવારથી આ અન્ડરપાસ વાહન વ્યવહાર માટે ખુલો મુકવામાં આવ્યો હતો. આ કામે રૂ.56 લાખનો ખર્ચ મંજુર થયો હતો પરંતુ છ લાખનો વધુ ખર્ચ થતા કુલ 62 લાખના ખર્ચે અન્ડર પાસના સ્લીપરી બનેલા રસ્તા ઉપર પ્રેશર ગ્રાઉટિંગ ની કામગીરી કરાઇ છે. આ ઉપરાંત નવેસરથી કલર કામ પણ કરતા તેનો ખર્ચ રૂ.12 લાખ સહિત કુલ 74 લાખનો ખર્ચ થયો છે. ખાસ કરીને અહીં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સવિશેષ રહેતી હોય અહીં પાણી ઉલેચવા માટેના વધુ પમ્પ મુકવા કાર્યવાહી કરવામાં આવનાર છે, આ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે.
હવે અહીં વરસાદી પાણી ભરાયેલું રહેશે નહીં પરંતુ અન્ડર પાસની દિવાલોમાંથી જે પાણી નીકળે છે તે નીકળતું બંધ થાય તેનો કોઇ રસ્તો શોધવામાં આવ્યો નથી. ઇજનેરી નિષ્ણાંતોના મતે અહીં અન્ડર પાસ બનાવવા માટે ખૂબ નીચે સુધી ખોદકામ કરાયું છે અને અહીં ભૂસ્તરમાંથી કુદરતી પાણીની સરવાણી નીકળતી હોય તે બંધ થાય તેમ નથી, આથી દિવાલમાંથી તો પાણી નીકળતું જ રહેશે ! જો કુદરતી વ્હેણ મતલબ કે સરવાણી આપોઆપ બંધ થઇ જાય તો જ અહીં દિવાલોમાંથી પાણી નીકળતું બંધ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application