આરટીઈના ફોર્મ 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ભરી શકાશે: અંતિમ તારીખ 12 માર્ચ

  • February 22, 2025 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાઈટ ટુ એજ્યુકેશન ના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની અમૂલ્ય તક, જાણો કેવી રીતે મેળવી શકાય ? અને ક્યાં દસ્તાવેજો તેના માટે જોઈએ છે ?


શિક્ષણનો અધિકાર (આરટીઈ) અધિનિયમ, 2009 હેઠળ, 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. આ કાયદા હેઠળ વંચિત જૂથો અને નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પણ મફત પ્રવેશ આપવામાં આવે છે. 


રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવા માટેના ધોરણ 1 માટે પ્રવેશના ફોર્મ 28 ફેબ્રુઆરી 2025 થી ઓનલાઈન ભરી શકાશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ 2025 છે. દર વખતની સરખામણીએ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયાઓ થોડીક વહેલી શરૂ થશે.


આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકનું જન્મ પ્રમાણપત્ર, વાલીઓના સરનામાનો પુરાવો, વાલીઓના આવક પ્રમાણપત્ર, વાલીઓના જાતિ પ્રમાણપત્ર (એસસી/એસટી પરિવાર માટે), માતા-પિતા અને બાળકનું આધારકાર્ડ જેવા દસ્તાવેજ આરટીઈ ફોર્મ ભરવા માટે ફરજિયાત જોઈએ.


આરટીઈ હેઠળ પ્રવેશ કેવી રીતે મેળવવો...?

સંબંધિત રાજ્યની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, વેબસાઇટ પર ઉપલબ્ધ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો, અરજી ફોર્મ ભરો. 


આંકડા શું કહે છે...?

શિક્ષણનો અધિકાર (આરટીઈ) અધિનિયમ, 2009 મુજબ, ખાનગી શાળાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગો અને વંચિત જૂથોના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત હોવી જોઈએ. વિદ્યાર્થીઓને પ્રથમ વર્ગ (વર્ગ 1)માં પ્રવેશ આપતી વખતે આ આરક્ષણ લાગુ પડે છે. જામનગર સીટી માં વર્ષ 2023-24 દરમિયાન ખાનગી શાળાઓમાં 678 સીટ્સ હતી જેમાંથી 600 સીટ્સ પર આરટીઈ અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો ના બાળકોએ પ્રવેશ મેળવ્યો. વર્ષ 2023-24 દરમિયાન આમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. આરટીઈ હેઠળ પ્રવેશ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફાર મુજબ બાળકની ઉંમર છ વર્ષ કરવી એ આ ઘટાડાનું મૂળ કારણ હતું. આ સમય ગાળા દરમિયાન ખાનગી શાળાઓમાં 297 સીટ્સ હતી જેમાંથી 293 સીટ્સ પર આરટીઈ અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો ના બાળકોએ પ્રવેશ મેળવ્યો.


આરટીઈ હેઠળ પ્રવેશના મુખ્ય લાભો : 

મફત શિક્ષણ: આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ટ્યુશન ફી લેવામાં આવતી નથી. એને આખી શિક્ષા મફત માં મળે છે.

કોઈ ફી નથી: આરટીઈ શાળાઓને પ્રવેશ માટે કોઈપણ વધારાની ફી અથવા દાનની માંગ કરવા માટે પ્રતિબંધિત છે. 

કોઈ ભેદભાવ નહીં: પ્રવેશ માત્ર આર્થિક સ્થિતિ પર આધારિત છે, પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈપણ સંભવિત પૂર્વગ્રહ હોવાની શક્યતા પણ એમાં નથી, આ રીતે બાળકો સાથે કોઈ પણ જાત નો ભેદભાવ કરવા સંભવ નથી.

ખાનગી શાળાઓમાં આરક્ષણ: ખાનગી શાળાઓમાં બેઠકોની ચોક્કસ ટકાવારી આરટીઈ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત હોય જ છે. 

સરકારી વળતર: આરટીઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ તેમને શિક્ષણ આપવાના ખર્ચ માટે સરકાર તરફથી વળતર મેળવે છે. જો ફી શાળાની ફી સરકારી વળતર કરતા વધારે હોય તો તફાવતની રકમ શાળા દ્વારા સહન કરવાની હોય છે.

કોઈ ઇન્ટરવ્યુની જરૂર નથી: વિદ્યાર્થીઓને તેમના પાત્રતાના માપદંડના આધારે પ્રવેશ આપવામાં આવે છે, ઇન્ટરવ્યુના આધારે નહીં. 

આરટીઈનું ફોર્મ ઓનલાઈન હોવાથી ઘણા માતા-પિતા જેઓ ટેક્નોલોજી ના જાણકાર નથી તેઓ આ ફોર્મ સરળતાથી ભરી શકતા નથી, તેમને મદદ કરવા માટે શહેરના અમુક એનજીઓ કામ કરી રહ્યા છે અને વાલીઓ ને આ સંદર્ભમાં સંપૂર્ણપણે મદદ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application