માવઠાને કારણે ખેતી પાક પર સંભવિત અસરો અને તેના ઉપાયો જાહેર કરાયા

  • November 30, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘઉં, જીરુ, બાજરો, કપાસ, મગફળી, દાળ, બટાકા, ચણા ઉપરાંત શાકભાજીના પાક સંબંધે પણ મહત્વની તકેદારીઓ સૂચવવામાં આવી  : ખેડૂતો માટે ઉપયોગી માહિતી

સમગ્ર રાજ્યમાં અને જામનગર જિલ્લામાં ગત તા.૨૫-૨૬ નવેમ્બર દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ઉત્તર ગુજરાત અને મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તથા છુટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ તથા એક બે જગ્યાએ ભારેથી અતિભારે જેટલો કમોસમી વરસાદ થવા પામ્યો છે. જેના કારણે, જામનગર જિલ્લાના ખેડૂત મિત્રો માટે તાજેતરમાં વાવણી/રોપણી કરેલા પાકો તથા ઉભા પાકોમાં થવાપાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો અત્રે જણાવવામાં આવ્યા છે.
(૧) કેળ (પાકની અવસ્થા : વાનસ્પતિક/ફળનો વિકાસ) જેમાં વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે. તેમાં ઉપાય તરીકે ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો, અને પાકમાં પિયત આપવાનું હાલ પુરતું ટાળવું.
(૨) કપાસ (પાકની અવસ્થા : જીંડવાનો વિકાસ/ જીંડવા ખુલવા) વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાના કારણે રૂ ની ગુણવત્તા ઉપર અસર થઈ શકે. તેમાં ઉપાય તરીકે રૂ ની વહેલી તકે વીણી કરી લેવી. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.
(૩) તમાકુ (પાકની અવસ્થા : વનસ્પતિ/ફૂલ તરીકે હોય)  વરસાદના કારણે તમાકુના પાંદડાની ગુણવત્તા ઉપર અસર થઈ શકે. તેમાં ઉપાય તરીકે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.
(૪) તુવેર (પાકની અવસ્થા : ફૂલ /શીંગોનો વિકાસ) વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે. તેમાં ઉપાય તરીકે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવીને આ દવાનો પાકમાં છંટકાવ કરવો. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.
(૫) બટાકા (પાકની અવસ્થા : રોપણી/ ઉગાવો) તાજેતરમાં રોપણી  કરેલ પાકના ઉગાવા પર અસર થઈ શકે છે. તેમાં ઉપાય તરીકે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.
(૬) ચણા (પાકની અવસ્થા :વાવણી/ઉગાવો/ વાનસ્પતિક) તાજેતરમાં વાવણી કરેલા પાકના ઉગવા પર અસર થઈ શકે અથવા તો આગોતરા વાવણી કરેલા પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. તેમાં ઉપાય તરીકે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ. આ ઉપરાંત, ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઈએ.
(૭) દિવેલા (પાકની અવસ્થા : વાનસ્પતિક/ફૂલ/માળ/બાંધવાની અવસ્થા) હાલમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે પાકમાં લશ્કરી અને ઘોડિયા ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. તેથી હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવીને આ દવાનો પાકમાં છંટકાવ કરવો જોઈએ. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.
(૮) શાકભાજી પાકો (પાકની અવસ્થા : ફળ/ફૂલ) ફુલ કે ફળનું ખરણ થઈ શકે છે, અને રોગ જીવાતમાં ચુસીયા કે કોકડાવાનો ઉપદ્રવ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે. તેથી પરિપકવ બની ગયેલા શાકભાજીના ફળો વહેલી તકે વીણી કરીને બજારમાં વેચાણ માટે મોકલવા અને
પાકને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ. ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની સ્પીનોસાડ ૩ મી.લી/૧૦ લીટર પાણીમાં ભેળવીને આ દવાનો છંટકાવ કરવો જોઈએ.
(૯) પપૈયા (પાકની અવસ્થા :ફૂલ/ફળ) ફુલ કે ફળનું ખરણ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે. તેથી પરિપકવ થઈ ગયેલા પપૈયાના ફળો વહેલી તકે વીણી કરીને બજારમાં વેચાણ માટે મોકલવા. પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ, અને ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
(૧૦) ઘઉં (પાકની અવસ્થા :વાવણી/ઉગાવો) હાલમાં બીજના ઉગાવા ઉપર અસર થઈ શકે છે. તેથી ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને પાકની વાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ.
(૧૧) જીરું/ વરીયાળી/ ધાણા (પાકની અવસ્થા : વાવણી/ઉગાવો) હાલમાં બીજના ઉગાવા ઉપર અસર થઇ શકે છે. તેથી પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, અને ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. તેમજ પાકની વાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ.
(૧૨) રાઈ (પાકની અવસ્થા :વાનસ્પતિક) હાલમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થઈ શકે છે. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની દવાનો છંટકાવ કરવો અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. તેમજ ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ.
(૧૩) હાલમાં કાપણી /લાણણી કરેલા પાકો માટે : ખુલ્લા રાખેલા પાકોની ખેત પેદાશોની ગુણવત્તામાં અસર થઈ શકે છે. તેથી કાપણી /લાણણી કરેલા પાકોની ખેત પેદાશોને સલામત જગ્યાએ મુકવી અથવા તો તેને તાલપત્રી વડે ઢાંકીને રાખવી જોઈએ.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોએ તેમના સંબંધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે. તેમ, મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), તાલીમ મુલાકાત યોજના, પેટા વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application