દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. તેઓએ રવિવારે સવારે જામનગરમાં રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી દ્વારા બનાવાયેલા વનતારાની મુલાકાત લીધી હતી. હવે વનતારાની અંદરની પીએમ મોદીની મલાકાતના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં અનંત અંબાણી દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારામાં આવેલા મંદિરે માતાજીના દર્શન પણ કર્યા હતા. બાદમાં વનતારામાં હાથીઓ માટે બનાવેલી હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ કાચ આડે રાખેલા સિંહ સાથે મોદીએ પંજો મિલાવ્યો હતો. આ ઉપરાંત સિંહબાળને દૂધ પીવડાવ્યું હતું. જીપ્સીમાં બેસી વનતારામાં રહેલા ચિતા, હાથી સહિતના વન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા. તેમજ ગેંડાઓને ગાજર ખવડાવતા નજરે પડ્યા હતા. વનતારામાં 4 કલાક જેવો સમય વડાપ્રધાને વિતાવ્યો હતો.
પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે વનતારા
વનતારાનું લક્ષ્ય એનિમલ કેર અને વેલ્ફેરના એક્સપર્ટ્સ સાથે કામ કરીને વૈશ્વિક સ્તરે થતા પ્રાણી સંરક્ષણમાં યોગદાન આપવાનું છે. વનતારાએ બચાવાયેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પડે તે માટે 3000 એકર જમીન પર જંગલ ઉભું કર્યું છે.
અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ
વનતારાનો મૂળ વિચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા અનંત અંબાણી દ્વારા રોપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનંત અંબાણી રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિન્યૂએબલ એનર્જીના બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની સફરનું નેતૃત્વ કરે છે.
પ્રાણીઓના આરોગ્યની સંભાળ માટે આધુનિક હોસ્પિટલ
વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
200થી વધુ હાથીઓને આપ્યો છે આશરો
છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પ્રોગ્રામ હેઠળ 200થી વધુ હાથી અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
પશુ ચિકિત્સક-ન્યૂટ્રિશિયાનિસ્ટ સહિત 500 લોકોનો સ્ટાફ
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે. જ્યાં તેમની પશુચિકિત્સકો, બાયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, ન્યૂટ્રીશિયાનિસ્ટ અને નેચરાલિસ્ટ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
આવી છે એલિફન્ટ હોસ્પિટલ
આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે(તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે)અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.
હાથીઓ માટે 14 હજાર સ્કવેર ફૂટનું કિચન
આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે. જે દરેક હાથીની ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરે છે.આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદિક પદ્ધતિ પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
650 એકરમાં ફેલાયેલું છે રેસ્ક્યૂ સેન્ટર
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે 3000 એકર પરિસરમાં 650 એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી સતવાયેલા અને બચાવાયેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે. આશરે 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ 200 દીપડાઓને બચાવ્યા છે.
તમિલનાડુથી લાવ્યા 1000થી વધુ મગરો
આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રએ આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી અને મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે. આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ,સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.
300 ચિત્તા સહિત 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણી
43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે. જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય. આજે વનતારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.
રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ
બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૂલ્સ, 2009ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ/મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એક્સચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એક્સચેન્જની વિનંતિઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફૂલડોલ ઉત્સવમાં જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી
March 10, 2025 04:51 PMદ્વારકા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા મહિલા પોલીસનું સન્માન
March 10, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech