પોલીસ તંત્રને સાથે રાખીને એસ્ટેટ શાખા દ્વારા ફરી ત્રાટકી: તંત્રની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ભારે સંઘર્ષ વચ્ચે ૨૮ રેકડી-૪ કાઉન્ટર સહિતનો માલ સામાન જપ્ત કરી લેવાયો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને જામનગરના દરબારગઢ સર્કલ ઉપરાંત કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારમાં આજે ફરીથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે સમયે ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.
સિટી એ. ડિવિઝન ના ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને એકી સાથે ૩૩ જેટલી રેકડીઓ કબજે કરી લઈ અલગ અલગ ચાર જેટલા ટ્રેક્ટરમાં ભરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. ઉપરાંત ચાર મોટા કાઉન્ટર પણ કબજે કરી લેવામાં આવ્યા છે.
ઉપરોક્ત વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ દ્વારા ફરી રેકડી કેબીનો સહિત ખડકી દીધા હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કટલેરી નો માલ સામાન, શાકભાજી, ફ્રુટ સહિતની ના ધંધાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓની દબાણ હટાવવાની કામગીરી સમયે તંત્ર ને ધંધાર્થીઓ સાથે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તંત્રએ મચક આપી ન હતી, અને તમામ મો સામાન જપ્ત કરી લેવાયો છે.
સાધના કોલોની રોડ પર ખાનગી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા ૪૦ સાઇનિંગ બોર્ડ હટાવાયા
જામનગરના સાધના કોલોની માર્ગ પર કેટલાક ખાનગી પાર્ટીઓ દ્વારા પોતાના વેપાર ધંધાના લોકેશન બતાવવા માટે લોખંડના એંગલ ઊભા કરીને જાહેરાતના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. આવા અલગ અલગ ૪૦ જેટલા લોખંડના એંગલ કે જેને જમીનમાંથી કાપીને દૂર કરી લેવાયા હતા, અને તમામ જપ્ત કરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.