ગુજરાત ભાજપના સંગઠનમાં ખાલી હોદ્દા પર નિયુક્તિ થવાની સંભાવના

  • November 09, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો પહેલાં કે પછી ગુજરાત ભાજપમાં ક્ષણિક ફેરફારો થઇ રહ્યાં છે. સંગઠનમાં જે જગ્યાઓ ખાલી પડી છે તેના પર નવી નિયુક્તિની સંભાવના છે. આ માટે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખને હાઇકમાન્ડ તરફથી સંકેત મળ્યો હોવાનું જણાઇ રહ્યું છે, જો કે સરકારમાં હાલ યથાવત સ્થિતિ રહેશે.


પાર્ટીના આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું કે પ્રદેશ સંગઠનમાં બે મહામંત્રી તેમજ મંત્રીની ખાલી પડેલી જગ્યાએ નવા ચહેરા પસંદ કરવામાં આવશે. થોડાં મહિનાઓ પહેલાં મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પછી પ્રદેશના મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું પરંતુ આ ખાલી જગ્યાઓ હજી સુધી ભરાઇ નથી.


દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમો જાહેર થયાં છે. ગુજરાત ભાજપ્ના ટોચના નેતાઓને આ ચૂંટણીઓમાં પ્રચારની કામગીરી સંભાળવી પડે તેમ હોવાથી હાલ તુરત રાજ્ય કેબિનેટમાં ખાતાનો બદલાવ, વિસ્તરણ કે બોર્ડ-નિગમની નિયુક્તિના કોઇ અણસાર દેખાતા નથી.
એટલે કે જ્યાં સુધી ચૂંટણીના કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાતની કેબિનેટમાં કોઇ ફેરફારને અવકાશ નથી પરંતુ લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મહિનામાં આવી રહી છે તે પહેલાં સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળી શકે છે, જેના અનુસંધાને પ્રદેશ કક્ષાએ ખાલી પડેલી જગ્યાઓ પર નિયુક્તિ કરવામાં આવી શકે છે.

ભાજપમાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાને ઉપપ્રમુખ પદમાંથી જનરલ સેક્રેટરી પદ પર ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ ભીખુભાઇને બિહાર મોકલી તેમની જગ્યાએ રત્નાકર પાંડેની નિમણૂક કરવામાં આવી હતી.
પાર્ટીએ અગાઉ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાતેમજ મંત્રી પંકજ ચૌધરીનું રાજીનામું લઇ લીધું હતું જેના કારણે પ્રદેશ માળખામાં અત્યારે ત્રણ મહામંત્રી અને નવ પ્રદેશ મંત્રી ફરજ બજાવે છે. એ ઉપરાંત પ્રદેશ સંગઠનમાં 10 ઉપપ્રમુખ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application