શેઠવડાળામાં થયેલા ધિંગાણામાં સામસામી નોંધાવાતી પોલીસ ફરીયાદ

  • November 14, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઇક સાઇડમાં લેવાના મામલે બધડાટી બોલી : તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સહિત બંને પક્ષે 6 ને ઇજા : પાઇપ, ધોકા, લાકડી, સળીયા વડે હુમલો કરાયો


જામજોધપુર તાલુકાના શેઠવડાળાના ભગવતીપાર્કમાં બાઇક સાઇડમાં પાર્ક કરવાના મામલે બધડાટી બોલી હતી જેમાં બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ અથડામણમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સહિત કુલ 6ને ઇજા થઇ હતી તેમજ ઓફીસમાં તોડફોડ કરીને નુકશાન પહોચાડવામાં આવ્યુ હતું, બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


શેઠવડાળા બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેન્દ્ર નારણભાઇ રાઠોડ (ઉ.વ.23) નામનો યુવાન તા. 12 સાંજના સુમારે ગામમાં આવેલ શિવ પાન નામની દુકાને ચા પાણી પીવા ગયા હતા, ત્યારે આરોપી પુષ્પદીપસિંહે ફરીયાદીને મોટરસાયકલ સાઇડમાં લેવા બાબત બોલાચાલી કરીને અપશબ્દો કહયા હતા, દરમ્યાન ઢીકાપાટુનો માર માર્યો હતો, આ વેળાએ અન્ય બે આરોપીઓ ધોકા, પાઇપ સાથે ધસી આવ્યા હતા અને ફરીયાદી જીતેન્દ્રભાઇ તથા સાહેદ હિતેશભાઇને પગ, ગોઠણ અને શરીરના ભાગે માર માર્યો હતો.


તુટી ગયેલા દરવાજાના કાચ વડે અતુલભાઇ રાઠોડને હાથ, આંગળીઓમાં ઇજાઓ કરી જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી ઉપરાંત જ્ઞાતી પ્રત્યે હડધુત કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. જીતેન્દ્રભાઇ દ્વારા આ બનાવ અંગે શેઠવડાળા ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે રાહુભા તથા ભુપત આંબરડી ગામના પુષ્પદીપસિંહ જાડેજા અને વનરાજસિંહ જાડેજા તથા શેઠવડાળાના મયુર મા આ ચાર ઇસમો વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમ તથા એટ્રોસીટી એકટ અને જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


સામા પક્ષે ભુપત આંબરડી ગામમાં રહેતા પુષ્પદીપસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.38)એ શેઠવડાળા ગામમાં રહેતા જીતેન્દ્ર નારણ રાઠોડ, તણ નારણ રાઠોડ, અતુલ ચંદુભાઇ રાઠોડ, અભુ ચંદુભાઇ રાઠોડ, અંકિત ચંદુ રાઠોડ, નારણ ભીખા રાઠોડ તથા ચંપાબેન નારણ રાઠોડ આ સાતની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદી તથા સાહેદ કાર નં. જીજે10સીએન-6303 લઇને પોતાના ગામે જવા માટે નીકળતા હતા ત્યારે જીતેન્દ્રભાઇને મોટરસાયકલ સાઇડમાં લેવાનું કહેતા ફરીયાદી સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.


સાહેદ નરેન્દ્રસિંહની ઓફીસમાં લાકડી વડે આડેધડ ઘા મારતા ઓફીસના ફર્નિચરમાં તોડફોડ કરી હતી તેમજ આરોપીઓએ લોખંડના સળીયાનો ઘા વનરાજસિંહ પર કર્યો હતો ટેબલનો કાંચ તોડી નાખ્યો હતો તેમજ એક આરોપીએ તેમની વીટારા ગાડીમાં ધોકો લઇ આવી દુકાનના કાંચમા તોડફોડ કરી નરેન્દ્રસિંહને આથમાં ઇજા પહોચાડી હતી તેમજ લાકડી વડે ફરીયાદી પર અન્ય એક આરોપીએ હુમલો કર્યો હતો અને મહિલાએ પથ્થર લઇ આવી અપશબ્દો બોલી જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી.

બંને પક્ષોની ફરીયાદના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેઠવડાળામાં જુથ અથડામણના પગલે પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ બબાલમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સહિત 3ને ઇજા થતા સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાનમાં બંને પક્ષ દ્વારા વિધીવત ફરીયાદ દાખલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News