હાર કે બુકેની બદલે છોડ કે રોપા આપીને કાર્યક્રમોમાં સ્વાગત કરવું જોઈએ : મોહન કુંડારિયા

  • June 05, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર કે બુકેની બદલે છોડ કે રોપા આપીને કાર્યક્રમોમાં સ્વાગત કરવું જોઈએ : મોહન કુંડારિયા

રાજકોટમાં ઈશ્વરીયા પાર્ક ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનએ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા પણ અનુરોધ કર્યો હતો. આ વર્ષે બિટ પ્લાસ્ટિક વેસ્ટ થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જોઈએ. 


તો અંબાજી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રીએ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા પ્રતિબદ્ધ થવા અપીલ કરી હતી. 


આ તકે કલેકટરએ ઉદબોધન કરતા કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ તમામ કાર્યક્રમોમાં હાર કે બુકેને બદલે છોડ કે રોપ આપીને સ્વાગત કરવા અપીલ કરી હતી. 


ધારાસભ્ય રમેશ ટીલાળાએ વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.    દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત છોડ આપીને કરવામાં આવ્યું હતું. બેડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક ડો.તુષાર પટેલે પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા થયેલ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. મહાનુભાવોએ આ અવસરે વૃક્ષારોપણ અંતર્ગત વડ, લીમડા, કરંજ અને અર્જુનસાદડ વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું. નોંધનીય છે કે ઈશ્વરીયા પાર્ક ખાતે વન મહોત્સવ અંતર્ગત ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર થનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application