તા. ૨૩ થી ત્રણ દિવસ સુધી ફરીથી ઠંડીનો વાયરો શરૂ થશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગર શહેર સમગ્ર હાલારમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિ મંદ પડતા ઠંડી ઘટી છે અને લોકોએ રાહત અનુભવી છે. પરંતુ હજુ તા.૨૩ થી તા.૨૫ એમ ત્રણ દિવસ સુધી ફરીથી ઠંડીનો ચમકારો થશે તેવી હવામાન ખાતાની આગાહીથી લોકોમાં ફરીથી ચિંતા શરૂ થઇ છે. આ વખતે લગભગ એકાદ મહિના સુધી સતત ઠંડીનો માહોલ શરૂ થશે હવે લોકો પણ ઠંડીથી કંટાળી ગયા છે.
સમગ્ર હાલારમાં કડકડતી ઠંડી રહેવાથી ખેતરમાં કામ કરતા મજૂરોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેટલીક વખત એવું બનતુ હોય છે કે કલેકટર કચેરીનાં કંટ્રોલ મ દ્વારા અપાતા હવામાનના આંકડામાં તફાવત જોવા મળતો હોય છે. બહુ ઠંડી હોય ત્યારે લઘુતમ તાપમાન ઉંચુ દર્શાવાતુ હોય અવાર નવાર આવા આંકડા જોવા મળ્યા હતા.
કલકટેર કચેરીનાં કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી, મહતમ તાપમાન ૨૭.૮ ડીગ્રી, હવામાં ભેજ ૯૪ ટકા, પવનની ગતિ ૧૫થી ૨૦ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે તેથી લોકોને પણ રાહત થઇ છે.
તાલુકા મથકો અને ગામડાઓમાં પણ ઠંડીનો માહોલ જળવાઇ રહ્યો હતો. કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, જામજોધપુર, લાલપુર, ભાટીયા, રાવલ, ફલ્લા, સહિતનાં ગામોમાં કાતીલ ઠંડીએ ભારે બોકાસો બોલાવી દીધો હતો. ખેતરોમાં કામ કરતા મજુરોને પણ ખુબ જ તકલીફનો સામનો કરવો પડયો હતો. દેખો ત્યાં ઠાર જેવી હાલત પણ થઇ હતી. ત્યારે બે દિવસથી ઓછી ઠંડી હોવાના કારણે લોકોને પણ રાહત થઇ છે.
રાજયના હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ ઠંડીમાં રાહત રહેશે પરંતુ તા.૨૩ થી ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થશે. અને લોકોને ફરીથી ઠંડીના માહોલમાં જીવવું પડશે. આ આગાહીથી લોકો અત્યારથી જ ચિંતામાં પડી ગયા છે. કેટલાક વર્ષો બાદ આ વર્ષે સતત ઠંડી રહી છે લગભગ ચારેક અઠવાડિયા સુધી તાપમાન ૧૦ થી ૧૪ ડીગ્રી વચ્ચે રહ્યું છે તેના લીધે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર થઇ છે. ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીના ચમકારાનો સામનો કરવો પડયો હતો. હજુ આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડી પોતાનો રંગ દાખવશે તેવુ હવામાન ખાતાની આગાહી છે.