કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાં એકથી સવા બે ઇંચ વરસાદ

  • May 03, 2023 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાડ, ચુર, કાટકોલા સહિતના ગામોમાં દોઢ ઇંચ વરસાદ થતાં તલ, બાજરી, મગ, મરચા, ઘઉં અને કેરીના પાકને વ્યાપક નુકશાન: હજુ ત્રણ દિવસ સુધી હાલારમાં માવઠુ થવાની હવામાન ખાતાની આગાહી

વૈશાખ મહીનામાં જાણે કે અષાઢ જેવો માહોલ હોય તે રીતે ગામડાઓમાં મેઘરાજા કમોસમી રીતે વરસી રહ્યા છે, ગઇકાલે ખંભાળીયા અને કલ્યાણપુર પંથકના કેટલાક ગામડાઓમાં એકથી સવા બે ઇંચ વરસાદ થતાં તલ, બાજરી, મગ, મરચા, ઘઉં અને કેરીના પાકને ભારે નુકશાન થયું છે, એટલું જ નહીં હજુ ત્રણ દિવસ સુધી હાલારમાં માવઠુ થવાની શકયતા છે તેવી હવામાન ખાતાએ કરતા ખેડુતો હેરાન-પરેશાન થઇ ગયા છે.

કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે બપોર બાદ કલ્યાણપુર અને આજુબાજુના ગામડાઓમાં દોઢથી બે ઇંચ વરસાદ પડયો હતો, વેરાડ અને ચુરમાં દોઢ ઇંચ વરસાદ થતાં નદી, નાળામાં પાણી આવ્‌યા હતાં, આ ઉપરાંત શિવા, કાટકોલા, સતાપર, આંબલા, ઢાંઢાવાળા અને મીઠાપુર ગામમાં પણ ભારે વરસાદ થયો છે. ચુર ગામમાં તો જોરદાર વરસાદને કારણે નાલામાં પુર આવ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને આજુબાજુના ગામડાઓમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે.

રાજયના હવામાન ખાતાએ પહેલા તા.3 અને 4 જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી, તેમાં વધારો થયો છે અને હવે તા.6 સુધી ગમે ત્યારે હાલારમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, ગઇકાલના વરસાદના કારણે વેરાડ પાસેનો ચેકડેમ છલકાઇ ગયો હતો અને ચેક ડેમોમાં પાણી આવ્‌યા હતાં અને ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે વ્યાપક નુકશાન થયું છે.

ખાસ કરીને કેરીના પાકને ભારે નુકશાન થયું છે, કેસર અને હાફુસ કેરી વેંચનારાઓની કેરી પલળી જતાં ભારે નુકશાન થયાનો અંદાજ છે ત્યારે આ માવઠામાં ખેડુતોને ફરીથી નુકશાન થતાં સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવીને ખેડુતોને સહાય મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ 34.5 ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન 24 ડીગ્રી, હવામાં ભેજ 84 ટકા અને પવનની ગતિ 30 થી 35 કિ.મી. પ્રતિકલાક રહી હતી.

હવામાન ખાતાના જણાવ્‌યા મુજબ આ વખતે મહત્તમ તાપમાન કેટલાક શહેરમાં 43 થી 44 ડીગ્રી રહેશે, એટલે કે ગયા વર્ષ કરતા ગરમી વધુ રહેશે, જો કે એક મહીનો અવારનવાર માવઠુ થયું છે તેથી ઉનાળાનું સમીકરણ પણ થોડુ બદલાયું છે તે પણ હકીકત છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application