હાલારમાં એક થી અઢી ઇંચ વરસાદ: મગફળી, કપાસના પાકને જીવતદાન

  • September 19, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે દ્વારકામાં અતી ભારે વરસાદની આગાહી :  લતીપુરમાં અને પીઠડમાં અઢી, કાલાવડમાં સવા બે, સમાણા, શેઠવડાળા, વંથલી, મોટી ભલસાણમાં પોણા બે, તેમજ જામવાડી, વાંસજાળીયા, પરડવામાં દોઢ, લાલપુર, ખંભાળયા, જામનગર, ધ્રોલમાં સવા ઇંચ વરસાદ


જામનગર સહિત સમગ્ર હાલારમાં ખરા સમયે મેઘરાજાની રી-એન્ટ્રી થતા મગફળી અને કપાસના પાક ઉપર કાચુ સોનુ વરસ્યું છે અને લગભગ સાડા ત્રણ લાખ હેકટર જમીનમાં વાવેલા આ વાવેતરને જીવતદાન મળી ગયું છે, આવતીકાલે દેવભુમી દ્વારકા જીલ્લામાં હવામાન ખાતા દ્વારા અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. લતીપુરમાં અને પીઠડમાં અઢી, કાલાવડમાં સવા બે, સમાણા, શેઠવડાળા, વંથલી, મોટી ભલસાણમાં પોણા બે, તેમજ જામવાડી, વાંસજાળીયા, પરડવામાં દોઢ, લાલપુર, ખંભાળયા, જામનગર, ધ્રોલમાં સવા ઇંચ વરસાદ પડયો છે, અન્ય ગામડાઓમાં પણ એક થી અઢી ઇચ વરસાદ પડતા કેટલીક નદીઓમાં ફરીથી પુર આવ્યા છે અને દોઢ મહીના બાદ ખેતરોમાં પણ વરસાદી પાણી આવતા જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે.


મળતી માહિતી મુજબ ગઇકાલે લતીપુર અને પીઠડમાં મેઘરાજાની ભારે એન્ટ્રી થઇ હતી અને વિજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર અઢી-અઢી ઇંચ વરસાદ પડતા ખેડુતો ખુશમાં આવી ગયા હતા. જામનગરની વાત લઇએ તો જામનગર શહેરમાં સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન સવા ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 1238 મીમી થયો છે, તેની ટકાવારી 158.59 થાય છે, જોડીયામાં ગઇકાલે 18 મીમી વરસાદ પડતા કુલ વરસાદ 710 મીમી થયો છે, જેની ટકાવારી 105.50 થાય છે, જોડીયા તાલુકાના હડીયાણામાં 17, બાલંભા 25 મીમી વરસાદ પડયો છે.


ધ્રોલ તાલુકાના લતીપરમાં પણ ગઇકાલે અઢી ઇંચ વરસાદ પડયો છે, આ વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં લાઇટ ચાલી ગઇ હતી, ધ્રોલ શહેરમાં સવા ઇંચ વરસાદ પડયો હતો, તાલુકાના જાલીયા દેવાણીમાં 8, લૈયારામાં 13 મીમી વરસાદ પડયો હતો. ધ્રોલમાં કુલ વરસાદ 754 મીમી એટલે કે 120.26 ટકા થયો છે.


કાલાવડમાં મેઘરાજાએ દે ધનાધન કરીને વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે સવા બે ઇંચ વરસાદ વરસાવતા કેટલાક નિચાણવાળા વરસાદોમાં પાણી ભરાયા હતા અને અમુક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી, કાલાવડ પંથકમાં મગફળી અને કપાસનું વાવેતર વધુ થાય છે ત્યારે આ પાક ઉપર જાણે કે કાચુ સોનુ વરસ્યું હોય તેમ લાગે છે, નિકાવામાં 5, ખરેડીમાં 4, મોટા વડાળા 10, ભલસાણ બેરાજા 25, નવાગામ 30, મોટા પાંચદેવડા 7 મીમી વરસાદ પડયો છે. કાલાવડમાં અત્યાર સુધીમાં 833 મીમી એટલે કે 121.96 ટકા વરસાદ થયો છે.


જામજોધપુરમાં મેઘરાજાએ ગઇકાલે એક ઇંચ વરસાદ વરસાવ્યો હતો, અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 800 મીમી એટલે કે 106.95 કુલ વરસાદ થયો છે, જેમા સમાણામાં 42, શેઠવડાળા 40, જામવાડીમાં 38, વાંસજાળીયા 36, ધુનડા 20, ધ્રાફા 20, પરડવા 34 મીમી વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 800 મીમી એટલે કે 106.95 ટકા થયો છે.


લાલપુરમાં ગઇકાલે દિવસ દરમ્યાન સવા ઇંચ વરસાદ પડતા અત્યાર સુધીનો કુલ વરસાદ 712 મીમી એટલે કે 96 ટકા વરસાદ થયો છે, આજુબાજુના પીપરટોડામાં 25 મીમી, પડાણા અને ભણગોર 10, મોટા ખડબા 16, મોડપર 15, હરીપરમાં 38 મીમી વરસાદ થયો છે.


દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘરાજાએ ખંભાળીયામાં 31 મીમી વરસાદ વરસાવતા મોસમનો કુલ વરસાદ 1439 મીમી થયો છે, જયારે દ્વારકામાં 20 મીમી વરસાદ થતા કુલ વરસાદ 755 મીમી થયો છે, કલ્યાણપુરમાં 15મીમી વરસાદ થતા કુલ વરસાદ 681 મીમી વરસાદ થયો છે, જયારે ભાણવડમાં 18 મીમી વરસાદ પડતા 539 મીમી વરસાદ થયો છે.


દેવભુમી દ્વારકા જિલ્લામાં આવતીકાલ અતી ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દેવભુમી દ્વારકા જીલ્લામાં આવતીકાલે અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરીયામાં ન જવા તેમજ લોકોને આવતી કાલે ગોમતી નદીમા સ્નાન ન કરવા ચેતવણી અપાઇ છે, દરીયામાં મોજા ઉછળે તેવી શકયતા છે ત્યારે વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application