મિલ્કતવેરાના બાકીદારો માટે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમનો એપ્રિલથી અમલ

  • March 29, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મિલ્કત વેરાના બાકીદારો માટે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ ૨.૦ સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ સ્કિમ અંતર્ગત બાકીદારો હપ્તા પધ્ધતિથી બાકી વેરો ચુકતે કરી શકશે. આગામી એપ્રિલ માસથી સ્કિમનો અમલ શરૂ થશે. લાભ લેવા ઇચ્છતા મિલ્કતધારકોએ તા.૩૧-૫-૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

સ્કિમના મુખ્ય સાત નિયમો-શરતો છે જેમાં (૧) આ યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા નાણાકીય વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન ૩૧-૦૫-૨૦૨૫ સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના ૧૦૦ ટકા અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં ૨૫ ટકા જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહેશે. બાકીની ૭૫ ટકા રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ૨૫ ટકા, ૨૫ ટકા અને ૨૫ ટકાના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે.

(૨) પ્રથમ હપ્તો ભરપાઇ થયા બાદ બાકી રહેલ એરીયર્સની (વ્યાજ સહિત) રકમને ૨૫ ટકા, ૨૫ ટકા અને ૨૫ ટકા એમ કુલ ત્રણ હપ્તામાં વિભાજીત કરવામાં આવશે. જે ત્રણ હપ્તા આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જે તે વર્ષના વેરાની રકમ સાથે ભરવાના રહેશે. બાકી હપ્તાની રકમ ઉપર કોઇપણ જાતના વધારાના ચાર્જ, વ્યાજ કે નોટીસ ફી ચુકવવાના થશે નહી.

(૩) ઉપરોક્ત નિયમ નં.૨ મુજબ નિયત હપ્તાની રકમ તથા જે તે નાણાકીય વર્ષનું મિલ્કત વેરાની રકમ ૩૦-સપ્ટેમ્બર સુધીમાં ભરપાઇ કરવાની રહેશે. અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે. તેમજ બાકી રહેલ સંપૂર્ણ રકમ પર જે તે નાણાકીય વર્ષના ૧ઓક્ટોબરથી નિયમ પ્રમાણે વ્યાજ તથા નિયત નોટીસ ફી વસુલવાપાત્ર થશે. મિલકતધારક સળંગ ચાર વર્ષ દરમ્યાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત ચાર વર્ષ દરમિયાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે.

(૪) જે તે નાણાકીય વર્ષની વળતર યોજના(એટલે કે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્ક્રીમ) દરમ્યાન જો મિલ્કતધારક જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની રકમ સાથે એરીયર્સની સંપૂર્ણ રકમ (તમામ હપ્તા) એક સાથે જમા કરાવે તો તેવા સંજોગોમાં જ જે તે વર્ષની વળતર યોજનાની જોગવાઇઓ મુજબ વળતર મળવાપાત્ર થશે. એરીયર્સની રકમ બાકી હશે તો તેવા સંજોગોમા આ વળતર યોજનાનો લાભ મિલકતધારકને મળવાપાત્ર થશે નહી.

(૫) આ યોજના દરમ્યાન જો મિલકત ધારકને મિલકતવેરા-પાણી ચાર્જીસમાં નામ-ટ્રાન્સફર કે ભાગલા અરજી કરાવા માટે કુલ બાકી માંગણાની પૂરે પુરી રકમ ભરપાઈ કર્યા બાદ જ નામ-ટ્રાન્સફર કે ભાગલા અરજી કરી શકશે.

(૬) આ યોજના દરમિયાન મિલકતના બાંધકામ, ઉપયોગ કે ભોગવટામાં ફેરફાર થયે સંબધિત મિલકતની આકારણી રિવાઇઝ કરવાની થતી હોવાથીઆવા સંજોગોમાં આ યોજનાનો લાભમળવાપાત્ર થશે નહી.

(૭) આ યોજના માટે જે-તે નાણાકીય વર્ષ દરમ્યાનના હપ્તાની રકમ તથા જે-તે નાણાકીય વર્ષના બાકી માંગણા સહિત કુલ રકમનું જે-તે નાણાકીય વર્ષ દરમ્યાન એક (સીંગલ) જ પેમેન્ટ કરવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application