જામશખપર ગામમાં વિદેશી દારૂની 1140 બોટલ સાથે એક ઝડપાયો

  • July 13, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પોલીસ ત્રાટકી : કુલ 5.75 લાખનો મુદામાલ કબ્જે: 3 ની શોધખોળ


જામજોધપુર તાલુકાના જામ શખપર ગામે ભાવેશ મોરીના રહેણાંક મકાન ખાતેથી સ્થાનીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને અંગ્રેજી દારૂની અધધ... 1140 બોટલ અને એક મોબાઇલ મળી કુલ 5.75 લાખના મુદામાલ સાથે એક શખ્સને પકડી લીધો હતો, તપાસ દરમ્યાન 3 ના નામ ખુલ્યા હતા જેને પકડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે, વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.


રેન્જ આઇજી દ્વારા તા. 5 થી 15 સુધી પ્રોહીબીશનની સ્પે. ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હોય જે અન્વયે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ પ્રોહી. કેસ શોધી કાઢવા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાને સુચના કરતા જે અનુસંધાને જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલા દ્વારા સ્ટાફને સુચના કરી હતી.


દરમ્યાન જામજોધપુરનો સ્ટાફ તરસાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના મયુરસિંહ જાડેજા, નવલ આશાણી, રવિન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે જામ શખપર ગામે ભાવેશ નારણ મોરીના રહેણાંક મકાને દારૂનો જથ્થો રાખેલો છે જે બાતમી આધારે પોલીસે રેઇડ પાડીને અંગ્રેજી દારૂની 1140 બોટલ અને 5 હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ 5.75 લાખના મુદામાલ સાથે પોરબંદરના રાણાવાવના મોટા રબારી પરાના ભુરા પાંચા કરમટાને પકડી લીધો હતો.


તપાસ દરમ્યાન જામ શખપર ગામના રાજુ નારણ મોરી, સુરેશ નારણ મોરી અને ભાવેશ નારણ મોરી નામના 3 ઇસમની સંડોવણી ખુલી હતી જેને ફરાર જાહેર કરી આ દિશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. જંગી જથ્થો ઝડપાતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application