OIC એ ફરી એકવાર કાશ્મીર મુદ્દે આપ્યું નિવેદન, પાકિસ્તાન ખુશ

  • September 27, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

OIC (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન)એ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ઉપરાંત આ સંગઠન દ્વારા ભારતને લઈને ઉગ્ર નિવેદનો પણ આપવામાં આવ્યા છે. તાજેતરમાં  OIC સભ્ય દેશોની એક બેઠક યોજાઈ હતી, જેના પછી સંગઠન દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રકાશનમાં  કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને અગાઉ થઈ ચૂકેલી સંસદીય ચૂંટણીઓ અંગે નિવેદનો આપવામાં આવ્યા છે. બીજી તરફ OICએ POK અને ગિલગિટ બાલ્ટિસ્તાન પર ભારતના નિવેદનોને ફગાવી દીધા છે. આ પહેલા પણ OIC ઘણી વખત ભારત પર આરોપ લગાવતી રહી છે અને કાશ્મીર પર નિવેદન આપી રહી છે.


ઓઆઈસીના સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ન્યૂયોર્કમાં મળ્યા હતા. પાકિસ્તાને બતાવેલા માર્ગ પર ચાલીને OICએ કાશ્મીર પર એક સંપર્ક જૂથની રચના કરી છે. આ સંપર્ક જૂથ કાશ્મીરી લોકોના કાયદેસરના સંઘર્ષને સમર્થન આપવાનો પણ દાવો કરે છે. આ સિવાય કાશ્મીરી લોકોના અધિકારોને લઈને પણ નિવેદનો આપવામાં આવ્યા છે.


સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીરમાં સંસદીય ચૂંટણીઓ અથવા વિધાનસભાની ચૂંટણીઓ કાશ્મીરી લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવાના વિકલ્પ તરીકે કામ કરી શકે નહીં." નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ અનુસાર કાશ્મીર વિવાદના અંતિમ ઉકેલ પર નિર્ભર છે.


OIC ની સ્થાપના ક્યારે થઈ હતી?


OICએ ઇસ્લામિક દેશોનો સમૂહ છે. આ સંગઠનમાં કુલ 57 દેશો સામેલ છે. OIC ની સ્થાપના 1969 માં રાબાત, મોરોક્કોમાં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં આવેલું છે. OIC ની સત્તાવાર ભાષાઓ અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચ છે. એ અલગ વાત છે કે મુસ્લિમોની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ ભારત તેનો સભ્ય નથી. દર વખતે ભારતે કાશ્મીર મુદ્દે OICના નિવેદનોને ફગાવી દીધા છે અને તેને અરીસો બતાવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News