પોષણ પખવાડીયા અંતર્ગત બાળ તુલા, ગૃહ મુલાકાત, તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ શિબિર, બાળકોમાં સ્થૂળતા દુર કરવા અંગેની વિવિધ પ્રવૃતિઓ સહિતના કાર્યક્રમો યોજાશે: કલેક્ટર કેતન ઠકકર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૮ માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ આગામી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી "પોષણ પખવાડીયા" ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતું, સાથે જ બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ ગ્રહણ કર્યા હતાં.
ચાલુ વર્ષે પોષણ પખવાડા-૨૦૨૫’ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન વિવિધ થીમ પર કરવામાં આવનાર છે. જેમાં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર, સી.એમ.એ.એમ. મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન તેમજ બાળકોમાં સ્થુળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવન શૈલી થીમનો સમાવેશ થાય છે. વધુમાં કાર્યક્રમ અંતર્ગત સમગ્ર પખવાડીયા દરમિયાન બાળ તુલા દિવસની ઉજવણી, ગૃહ મુલાકાત, મમતા દિવસની ઉજવણી, સ્વચ્છતાના અંગેનો પ્રચાર-પ્રસાર, બાળકોમાં સ્થૂળતાને દુર કરવા પર નિબંધ સ્પર્ધા/વકતૃત્વ સ્પર્ધા, પોષ્ટિક આહાર તથા ટી.એચ.આર.નો પ્રચાર-પ્રસાર, તંદુરસ્ત આહાર પ્રથાઓ અંગે જાગૃતિ શિબિર, વરસાદી પાણીના સંગ્રહને લગતી પ્રવૃતિ, ગર્ભાવસ્થા દરમિયાન એ.એન.સી.પર જાગૃતિ સેશન, સ્તનપાન પર શિબિર તથા ઘર મુલાકાત, બાળકોમાં સ્થૂળતાને દુર કરવા માટે દોડ સ્પર્ધા/રમતો, વાનગી, રંગોળી, નિબંધ સ્પર્ધા તથા પૂર્ણા દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાશે.
બેઠકમાં કલેક્ટરએ આંગણવાડી તથા શાળાએ જતા બાળકોની સમયાંતરે આરોગ્ય ચકાસણી કરી એકપણ કુપોષિત બાળક રહી ન જાય તેની કાળજી લેવા ઉપસ્થિત અધિકારીઓને સુચન કર્યું હતું તેમજ આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ.ને સંકલનમાં કામગીરી કરી જામનગર જિલ્લાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. વધુમાં દવાઓ તથા પોષક આહાર દરેક બાળક સુધી નિયમીત રીતે પહોંચે તે પ્રમાણે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ, પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.