ભાજપમાં હવે ‘રાજકીય દાદાગીરી’નો દૌર..?: મોવડીઓ મૌનીબાબા...?

  • August 19, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસ દુનિયા મેં દાદા તો સિર્ફ દો હી હૈ....એક ઉપરવાલા દુસરે હમ: ફિલ્મોમાં આ સંવાદ સ્વ.રાજ સાહેબને જ શોભે: જાહેરમાં આંખો કાઢવી, ફીંગર દેખાડવા, રાડો પાડીને બોલવું, કોઇને ધમકાવવા, ઔકાત જેવા શબ્દો ઉચ્ચારવા આને રાજકીય દાદાગીરી નહીં તો બીજુ શું કહેવાશે...?: લોકો યાદ કરી રહ્યા છે ચંદ્રેશ પટેલ, વસુબેન ત્રિવેદી, આર.સી.ફળદુ, હકુભા જાડેજા જેવા નેતાઓનો એ દૌર જેમણે પોતાની ધાક તો રાખી પરંતુ કયારેય વિવેક ચૂકયા નહીં: લોકમુખે આ બધી ચર્ચા છે

‘દાદાગીરી’ અને ‘રાજકારણ’ બંને વચ્ચે કોઇ સંબંધ નથી, રાજકારણમાં દાદાગીરી ન ચાલે અને દાદાગીરીમાં રાજકારણ ન ચાલે...આ તો એક સામાન્ય વ્યાખ્યા છે, પરંતુ જામનગરના શહીદ સ્મારક પર ગુરુવારે ભાજપની ત્રણ મહીલા નેતાઓ વચ્ચે થયેલા અને રાજયકક્ષાએ ગાજેલા પ્રકરણ બાદ જામનગરની આમ જનતામાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને સજ્જન લોકો તો હવે ત્યાં સુધી કહેવા લાગ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટી દ્વારા જેવા શિસ્તબઘ્ધ પક્ષમાં ‘રાજકીય દાદાગીરી’ ચાલશે ?, આ સાથે લોકો ભૂતકાળ બની ચૂકેલા રાજકીય નેતાઓને પણ આજે યાદ કરી રહ્યા છે અને એમણે એમના કાર્યકાળ દરમ્યાન દેખાડેલી શિસ્તના વખાણ કરી રહ્યા છે.
શહીદ સ્મારકે શું થયું ? એ તમામ બાબત વિડીયો ફુટેજના માઘ્યમથી લોકો સુધી પહોંચી ગઇ છે, જોવા એવું મળ્યું કે, ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને મેયર બિનાબેન કોઠારી વચ્ચે શાબ્દીક યુઘ્ધ થયું, વિડીયોમાં ઘણા બધા અંશ પણ સાંભળવા મળી રહ્યા છે, હવે લોકો આ ઘટનાને અલગ-અલગ નજરે જોઇ રહ્યા છે, મુલ્યાંકન કરી રહ્યા છે અને એવી પણ ચર્ચા કરતા થઇ ગયા છે કે, યાર આ તો ‘દાદાગીરી’ કહેવાય....આપણે લોકોની વાતને થોડી વિનમ્રતાથી રજૂ કરીને એવું કહીએ કે રાજકીય દાદાગીરી જેવું કાંઇક દેખાયું.
આવું શું કામ લાગ્યું ? કારણ કે વિડીયોમાં જોવા મળે છે કે, કોઇપણ શબ્દથી છંછેળાયેલા રિવાબા જાડેજા પોતાનો આપો ખોઇ બેસે છે અને આંખો કાઢે છે, આંગળી દેખાડે છે, મોઢા સુધી ઘસી જાય છે, જોર જોરથી બોલે છે, થોડા બેકાબુ જેવા થઇ જાય છે અને ઔકાત જેવા શબ્દો પણ જાહેરમાં ઉચ્ચારી લેતા તેઓ ખચકાતા નથી.
કદાચ આ જ કારણે જામનગરના સજ્જન લોકોને જામનગર ભાજપની ત્રણ મહીલાઓ વચ્ચે થયેલા ટકરાવમાં દાદાગીરીના દર્શન થઇ રહ્યા છે અને લોકો એવું પણ વિચારતા થઇ ગયા છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ શું રાજકીય દાદાગીરી ચાલશે..?
વિતેલા ત્રણ દાયકાના ઇતિહાસમાં પ્રજાના મતે ચૂંટાયેલા એવા લોક પ્રતિનિધિઓ આવ્યા કે જેમણે પોતાનો લાંબો કાર્યકાળ ભોગવ્યો, પરંતુ આખી કારર્કીદી દરમ્યાન રાજયમંત્રીની કક્ષા સુધી પહોંચેલા આ નેતાઓએ કયારેય જાહેરમાં જરાપણ વિવેક ચૂકયો ન હતો, દા.ત. વસુબેન ત્રિવેદીની વાત કરીએ તો ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા, રાજયમંત્રી પણ બન્યા, એક સમયે ‘બેન’ના નામની તુતી બોલતી હતી, મહાનગરપાલિકામાં પણ વસુબેનના પડયા બોલ ઝીલવામાં આવતા હતાં, એમણે પોતાની ધાક જરુર રાખી હતી પરંતુ જાહેરમાં કે પછી બંધ બારણાની બેઠકોમાં પણ તેઓ કયારેય વિવેક ચૂકયા ન હતાં અને કયારેય કોઇના માટે ઘસાતું બોલ્યા ન હતાં, એ ભૂતકાળ જાણીતો છે.
આ જ રીતે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ડો.દિનેશભાઇ પરમાર, પૂર્વ મંત્રી એમ.કે.બ્લોચ, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, આ બધા નામ એવા છે જે વિતેલા ત્રણ દાયકામાં જામનગરના રાજકારણ પર લોખંડી પકડ ધરાવતા હતાં, આમાંથી એક પણ લોક પ્રતિનિધિ એવા નથી કે જેમણે કયારેય કોઇને પણ જાહેરમાં ઠેસ પહોંચાડતા શબ્દોનો ઉપયોગ કર્યો હોય, આ બધા હંમેશા વિવેકમાં રહ્યા...રાજકારણ જરુર રમ્યા અને તેમાં કંઇ ખોટુ પણ નથી, કારણ કે રાજકારણમાં રાજકારણ તો રમવું જ પડે, પરંતુ એમની જીભ કયારેય એમના કાબુ બહાર ગઇ નહીં.
ઉપરોકત નેતાઓમાં ભાજપ-કોંગ્રેસના જુના જોગીઓનો સમાવેશ છે, હાલમાં ચર્ચા આપણે ભારતીય જનતા પાર્ટીની કરવાની છે તો ઉપર અપાયેલા બધા નામ માંથી ભાજપના નેતાઓને અલગ તારવીને વાંચકો નજર મારી શકે છે અને યાદ કરી શકે છે કે, આ નેતાઓ કયારેય ભારતીય જનતા પાર્ટીની લક્ષમણ રેખાની બહાર ગયા હતાં ? જવાબ નહીં માં જ મળશે.
પ્રવર્તમાન રાજકારણની અને આજના પ્રેકટીકલ તથા વધુ આધુનિક બનેલા રાજકારણીઓ સાથે ઉપરોકત નેતાઓની તુલના કરવામાં આવે છે ત્યારે ભાષા વિવેકનો જબરો ભેદ જોવા મળી રહ્યો છે અને રાજકારણનો નવો ફાલ કદાચ એવું માને છે કે, એક વખત લોક પ્રતિનિધિ બની ગયા બાદ એમને ગમે તેના માટે ગમે તેમ બોલવાનો પીળો પરવાનો મળી જાય છે....હકીકતે આ એમની ગેરમાન્યતા છે.
જામનગરના સજ્જન મતદાતાઓ એવું પણ વિચારતા થઇ ગયા છે કે, જેને આપણે આપણો કિંમતી અને પવિત્ર મત આપીએ છીએ એ લોકો લોક પ્રતિનિધિની ડીગ્રી મેળવ્યા પછી જો ‘રાજકીય દાદાગીરી’ના રવાડે ચડી જાય તો પછી હવે મતદાન કરતા પહેલા ઘણુંબધું વિચારવું પડશે.
ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ હંમેશા શિસ્તના દંડા પછાડે છે, શિસ્તમાં રહેવાની સલાહ આપે છે, પરંતુ રાજયકક્ષાએ અને નેશનલ ચેનલો સુધી ગાજેલા જામનગરના પ્રકરણ સંબંધે ગુજરાત ભાજપના મોવડીઓ તથા કેન્દ્રના સર્વોચ્ચ ગણાતા મોવડીઓ શું કામ ખામોશ છે ? એ બાબત પણ મતદાતાઓને મુંઝવી રહી છે.
એક સમયે કેન્દ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીએ યુપીએના તત્કાલીન વડાપ્રધાન અને કોંગ્રેસી મનમોહનસિંઘ પર મૌનીબાબા તરીકેના કટાક્ષ બાણ છોડયા હતાં તો સ્વભાવિક પૂછવાનું મન થાય છે કે, જામનગરમાં મેયર, સાંસદ અને ધારાસભ્ય જેવા ભાજપની ટોંચની ત્રણ મહીલાઓ વચ્ચે જાહેરમાં થયેલી તુંતું-મેંમેં અને તેનાથી પક્ષની શિસ્તના ઉડેલા ચીથરા મુદે શું ગુજરાત ભાજપ અને કેન્દ્રના મોવડીઓ મૌનીબાબા બની ગયા નથી....? કદાચ આગામી દિવસોમાં મૌન તુટે એવી આશા રાખીએ.
રાજકારણીઓની એક ખુબ જુની અને જાણીતી રીત રહી છે કે, પોેતે ગમે તેવા ઉંબાડીયા કરી લે પરંતુ મીડીયા જયારે જાહેરમાં બનેલી ઘટનાઓનું પોર્સ્ટમોટમ કરે અને આ ઘટનાના દરેક પાસા લોકોને સમજાવવાની કોશીષ કરે ત્યારે રાજકારણીઓ એવું કહેતા અચકાતા નથી કે મીડીયાવાળા વાતનું વતેસર કરી રહ્યા છે.....જામનગરના શહીદ સ્મારક પર બનેલી ઘટના અને ત્યારબાદ ભાજપના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અર્થાત સાંસદ પૂનમબેન માડમ સામે ભાજપના જ ધારાસભ્ય રિવાબા જાડેજા પત્રકારોને બોલાવીને ખુલ્લેઆમ આક્ષેપ કરે એ બાબત રાજકારણીઓને કદાચ નાની લાગતી હશે એટલે જ તેઓ વાતનું વતેસર કરવાનો આક્ષેપ મીડીયા તરફ કરવાની કોશીષ કરી રહ્યા છે, પરંતુ આ ગેરશિસ્ત ગંભીર પ્રકારની હોવાથી અને પ્રજાના મતોથી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ રાજકીય દાદાગીરી પ્રકારનું વલણ ખુલ્લેમખુલ્લા દેખાડયું હોવાથી મીડીયા આ સત્ય લોકોને સમજાવતા જરાપણ અચકાશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application