દેશનું પ્રકૃતિ પરીક્ષણ: આઇ.ટી.આર.એ. ખાતે હવે આયુર્વેદના સથવારે જાણો આપની પ્રકૃતિને
ઇટ્રાના તજજ્ઞ સ્વયંસેવક દ્વારા થશે પ્રકૃતિ પરીક્ષણ
આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરૂઆત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પ્રકૃતિ પરીક્ષણથી કરવામાં આવી હતી. વિવિધ તબક્કામાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશના એક કરોડ પરિવાર સુધી પહોચવાની લક્ષ્યાંક રાખી અને ગિનિઝ બુક ઓફ વર્ડ રોકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. આયુષ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં ૪ લાખ ૭૦ હજારથી વધુ સ્વયંસેવકોને આ માટે તાલિમબધ્ધ કરવામાં આવ્યાં છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રા ખાતે પણ આ પ્રકૃતિ પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે જેમાં તજજ્ઞ આયુર્વેદ તબિબો દ્વારા વ્યક્તિની સાથે થોડી મિનિટોમાં થોડાં સવાલ-જવાબથી જ વ્યક્તિની પ્રકૃતિનું પરીક્ષણ કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેનો ડેટા ભારત સરકારની મોબાઇલ એપ્લિકેશનમાં પણ દાખલ કરવામાં આવશે અને તેના દ્વારા વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સમજવામાં મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા વ્યક્તિને ઋતુ અને સમય અનુસાર તેને કઇ પ્રકારની કાળજી રાખવી? શું આહાર લેવો? શું ન લેવો? જેવી અનેક બાબતો તેમાં જણાવવમાં આવશે. એક પ્રકૃતિ પરીક્ષણ એ દીર્ઘકાલીન સમય માટે વ્યક્તિને સ્વસ્થ રહેવા એક નવા આધુનિક માધ્યમ તરીકે ઉભરી આવશે.
કેવી રીતે થશે પ્રકૃતિ પરીક્ષણ?
આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી કહે છે કે ફક્ત થોડી મિનિટના ટૂંકા સમયમાં પચિસ જેટલાં સરળ પ્રશ્નો અને વ્યક્તિનું તજજ્ઞ સ્વયંસેવક દ્વારા નિરિક્ષણ કરી તેની વિગતો એપ્લિકેશનમાં દાખલ કરાશે અને તેનાથી એક ડિજિટલ સર્ટિફિકેટ પણ બનશે. આ સરળ પ્રક્રિયા બાદ મોબાઇલ એપ્લિકેશન જ સમયાંતરે વ્યક્તિને તેના સર્વાંગી સ્વાસ્થ્ય માટે સુચિત કરતું રહેશે.
પ્રકૃતિ પરીક્ષણ કરાવનારે સાથે શું રાખવું?
પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવનાર વ્યક્તિએ સાથે પોતાનો સ્માર્ટ ફોન કે જેમાં પ્રકૃતિ પરીક્ષણની એપ્લિકેશન ચાલે તે રાખવાનો રહેશે જેના આધારે માત્ર થોડી મિનિટની સરળ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.
શું છે સમય? કયું છે સ્થળ?
પ્રકૃતિ પરીક્ષણ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. અર્જૂનસિંઘ બઘેલ જણાવે છે કે આઇ.ટી.આર.એ. ની હોસ્પિટલ ખાતે દૈનિક ઓ.પી.ડી.ના સમય દરમિયાન આ પરીક્ષણ પ્રત્યેક ઓ.પી.ડી.માં થશે તેમજ હોસ્પિટલ ખાતેના વેઇટિંગ એરીયામાં પણ સ્વયંસેવકો દ્વારા પકૃતિ પરીક્ષણ સુવિધાનો નિ:શુલ્ક પણે લાભ લઇ શકશે.