આવતા વર્ષે ગુજરાતના પ્રત્યેક નાગરિક ઉપર રૂ. 20 હજારનું કર ભારણ આવશે

  • March 05, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર ગુજરાતના પ્રત્યેક નાગરિકની માથાદીઠ આવક વધી હોવાનો દાવો કરે છે પરંતુ તેની સાથે સાથે ગુજરાતની પ્રજા પર કરવેરાનું ભારણ પણ વધતું જાય છે. એક સર્વેક્ષણ પ્રમાણે પ્રત્યેક ગુજરાતી 2024-25ના નાણાકીય વર્ષમાં 20580 રૂપિયાનો કર રાજ્ય સરકારને ચૂકવશે.
માર્ચ 2024માં પુરા થતાં ચાલુ વર્ષના અંતે ગુજરાતના પ્રત્યેક નાગરિકે રાજ્ય સરકારની તિજોરીમાં 17463 રૂપિયા ચૂકવ્યા છે. આ ગણતરી રાજ્ય સરકારને મળતી કરઆવકોમાંથી કરવામાં આવી છે જેમાં સાત કરોડની વસતીને બેઝ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આગામી વર્ષના બજેટમાં એવો અંદાજ રાખ્યો છે કે નાણા વિભાગને 1.49 લાખ કરોડની આવક થશે. આ આવક ચાલુ વર્ષે 1.34 લાખ કરોડ હતી. રાજ્યની કરવેરાની આવકમાં 11 ટકા જેટલી વૃદ્ધિ નોંધાય તેવી સંભાવના છે. રાજ્યના નાગરિકો સરકારને જીએસટી, વેટ, સ્ટેમ્પડ્યુટી અને નોંધણી, જમીન મહેસૂલ, વિદ્યુત શૂલ્ક, મનોરંજન કર અને વાહનકર ચૂકવે છે. નાણાકીય તજજ્ઞોના વિશ્લેષણ પ્રમાણે કેન્દ્ર સરકારના વેરાને બાદ કરતાં રાજ્ય સરકારની કરવેરાની આવકનો હિસ્સો 78 ટકા જેટલો છે. આવતા વર્ષના અંત સુધીમાં સરકારને સ્ટેમ્પડ્યુટીની આવક 16000 કરોડ થવાની છે. જીએસટીની આવક 75000 કરોડને પાર થઇ જશે. વાહન પરના કરની આવક 5600 કરોડ થશે જ્યારે વિદ્યુત શૂલ્કમાંથી સરકારને 11754 કરોડ મળવાના છે. એ ઉપરાંત જમીન મહેસૂલની આવક 5510 કરોડ થશે. સરકારે બજેટમાં ભલે કોઇ નવા કરબોજ નાંખ્યા નથી પરંતુ કરવેરાની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે તે હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application