ટીપી બ્રાન્ચ સામે લેટર બૉમ્બ ફેંકતા નેહલ શુક્લ

  • March 13, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે ટીપી બ્રાન્ચમાં વ્યાપક ફેરફારો કરાતા સમગ્ર શહેરનું રિઅલ એસ્ટેટ સેક્ટર જાણે ઠપ્પ થઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ સુધીમાં બિલ્ડર્સ, ડેવલપર્સ ઉપરાંત અનેક સંગઠનોએ આ મામલે સ્થાનિકથી લઈને સરકાર સુધી રજૂઆતો કરી છતાં સ્થિતિ હજુ સ્મૂધ થઇ નથી. દરમિયાન આ પરિપ્રેક્ષ્યને ધ્યાને લેતા શાસક પક્ષના ભાજપના કોર્પોરેટર ડો.નેહલભાઇ શુક્લએ આગામી જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સામે જાણે લેટર બૉમ્બ ફેંકતા હોય તેવા શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે, હાલ તો ટીપી સ્ટાફ તેમના સવાલોના જવાબ તૈયાર કરવામાં ઉંધા માથે થઇ ગયો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને વોર્ડ નં.૭ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ડો.નેહલભાઇ શુક્લએ આગામી તારીખ ૧૯-૦૩-૨૦૨૫ના રોજ મળનાર જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં તેમણે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સામે મુખ્ય સવાલો ઉપરાંત કુલ ત્રણ સવાલ ઇનવર્ડ કરાવ્યા છે જેમાં

(૧) તા.૧-૪-૨૦૨૪થી ૧૦-૩-૨૦૨૫ સુધીમાં કેટલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્લાન મંજૂરી માટે ઇનવર્ડ થયા છે? અને તે પ્લાનમાંથી કેટલા મંજૂર કરવામાં આવ્યા છે? તેમાંથી કેટલા પ્લાનને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? અને કેટલા પ્લાન પેન્ડિંગ છે? તે માહિતી ક્વાર્ટરલી બેઝ ઉપર જમીન માલિકોના નામ સાથે ઝોન વાઈસ પ્લાન ઇન વર્ડ થયા તારીખ, મંજુર થયાની તારીખ, કમ્પ્લીસનની તારીખની સંપૂર્ણ માહિતી સાથેની વિગતો આપવી. તદઉપરાંત (૨) નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં કુલ જેટલા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય અને તેમાં નિયમ અનુસાર ની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એલ ૧ બીડર કે એચ ૧ બીડરને તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા દરેક ટેન્ડરની સંપૂર્ણ વિગત, એટલેકે જે તારીખે ટેન્ડર ખુલ્યું હોય તે તારીખ અને એલ ૧ કે એચ ૧ બીડરના નામ સાથે ની અને રકમ સાથેની તેમજ કામના પ્રકારની વિગતો આપવી તેમજ (૩) નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાયી સમિતિ દ્વારા જે કામની ખર્ચની રકમ મંજુર કરવામાં આવી છે તે મંજુર થયેલ રકમ કરતા ૧૦ ટકાથી વધુ ખર્ચ વધતો હોય તેવા દરેક ટેન્ડરની મંજુર થયેલ બીડરનું નામ અને બીડરને વધારાની કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે કે ચુકવવાની બાકી છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવી સહિતના સવાલો ઉઠાવ્યા છે.


કહીં પે નિગાહે, કહીં પે નિશાના ?

ડો.નેહલભાઇ શુક્લએ પુછેલા સવાલો ટીપી બ્રાન્ચના કાર્યક્ષેત્રને લગતા છે પરંતુ તેના જે કંઇ જવાબો સામે આવશે તે સમગ્ર સિસ્ટમમાં રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓને પણ અસરકર્તા થશે. ખરેખર ટાર્ગેટ ટીપી બ્રાન્ચ જ છે કે રાજકીય કોલ્ડ વોરમાં નિશાન કોઇ અન્ય સામે છે તેવી ચર્ચા જાગી છે. સવાલો ભાષાકીય દ્રષ્ટિએ સામાન્ય લાગે છે પરંતુ તેના જવાબોમાં સ્ફોટક વિગતો સામે આવશે જે અનેક રાજકીય અને વહીવટી રીતે ઘાયલ કરશે. એકંદરે આ સવાલો જનરલ બોર્ડ મિટિંગમાં ચર્ચામાં આવે તેવી શકયતા નહીંવત છે કારણ કે પ્રશ્ન કાળમાં તો આ પ્રશ્ન છેક ૧૭મા ક્રમે મુકાયો છે પરંતુ લેખિત જવાબો તો નિયમ મુજબ આપવા અને જાહેર કરવા પડશે જ.


ખરેખર કોણે કોની સામે મોરચો ખોલ્યો ?

સ્ટેન્ડિંગ કમિટિ પૂર્વેની પાર્ટી સંકલન મિટિંગમાં અનેક વખત અનેક મુદ્દે વિવિધ સવાલો ઉઠાવી હરહંમેશ ચર્ચા વિચારણા કરતા નેહલ શુક્લ અનેક વખત સંકલન મિટિંગમાં શાબ્દિક તડાફડી બોલાવતા રહેતા હોય છે ત્યારે મોરચો ખરેખર ટીપી બ્રાન્ચ સામે છે કે ટીપી બ્રાન્ચને નિમિત્ત બનાવી તીર અન્ય સામે છોડવામાં આવ્યું છે ? તેવી ચર્ચા જાગી છે. સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ પૂર્વેની સંકલનમાં અનેક વખત તેમના સવાલો ચર્ચામાં લેવાતા ન હોય આ વખતે તેમણે જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્ન ઇનવર્ડ કરાવ્યા છે વળી મેયરએ પણ તેમને સહયોગ આપી પ્રશ્નનો સમાવેશ કરતા ખરેખર કોણે કોની સામે મોરચો ખોલ્યો છે તેની સ્પષ્ટતા ન કરવી પડે તેવી સ્થિતિ છે.


પાર્ટીમાં ચર્ચા વિના પ્રશ્નો પૂછી પ્રણાલી ભંગ ?

સામાન્ય રીતે એવી પ્રણાલી રહી છે કે જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે પાર્ટી સંકલનમાં ચર્ચા થયા બાદ કોર્પોરેટરો પ્રશ્ન ઇનવર્ડ કરાવતા હોય છે પરંતુ આ વખતે પહેલી વખત ટીપી બ્રાન્ચને લગતો ઉપરોક્ત પ્રશ્ન પાર્ટીમાં પરામર્શ કર્યા વિના સ્વતંત્ર રીતે પૂછવામાં આવ્યો છે તેવી ચર્ચા છે. એવું પણ ચર્ચાય રહ્યું છે કે છેલ્લા ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે. જો કે આવી ચર્ચા કોલ્ડ વોરને કારણે થઇ રહી હોય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.


મહાકુંભ સ્નાન બાદ મેયરનો તાપ વધ્યો

મહાકુંભ સ્નાન બાદ પુણ્યોદય થયો હોય તેમ છેલ્લા થોડા દિવસોથી મેયર નયનાબેન પેઢડિયાનો રાજકીય તાપ વધવા લાગ્યો છે. હાલ સુધી સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ રૂમમાં જ જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નો અંગેની સંકલન મિટિંગ મળતી હતી પરંતુ હવે સમગ્ર દૌર મેયરએ પોતાના હસ્તક કર્યો છે અને તાજેતરમાં બોર્ડ મિટિંગને લગતી સંકલન મિટિંગ તેમણે મેયર ચેમ્બરમાં જ યોજી હતી અને કોણ કયો પ્રશ્ન પૂછશે તે અંગે પ્રશ્નોની ફાળવણી કરી હતી. અલબત છેલ્લા થોડા દિવસોથી મેયર અને સુપર મેયર તેવી ચર્ચા શરૂ થતાં તેમજ ગત છેલ્લી મિટિંગમાં મેયરનું અપમાન થતા મેયર આ બાબત સહન કરી શક્યા ન હતા અને ધુળેટી પૂર્વે અસલ રાજકીય રંગ બતાવતા મજાક મસ્તી કરનારા માપમાં આવી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application