દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શીતલહેરથી રક્ષણ માટે જરૂરી સૂચનો જાહેર

  • January 15, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા શીતલહેર દરમ્યાન ઠંડીથી રક્ષણ માટે કેટલીક સાવચેતીરૂપ સલાહ આપવામાં આવી છે. જે અનુસાર જો જરૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળવું. પૂરતા ગરમ કપડાં પહેરવા, હાથમોજા, પગરખા, મોજા, ટોપી કે અથવા મફલરનો ઉપયોગ કરવો. આંખોને ઠંડીથી બચવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરવો. રૂમને ગરમ રાખવા માટે ઘરમાં હીટર, બ્લોઅર વિગેરેનો બંધ રૂમમાં ઉપયોગ ન કરવો અને પૂરતી સાવધાની રાખવી.


ભૂખ્યા પેટે બહાર નીકળવાનું ટાળવું. બને ત્યાં સુધી નવશેકું પાણી પીવું. ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડાપીણા પીવાનું ટાળવું. વધુ કેલેરીવાળા (શક્તિસભર) ખોરાકનું સેવન કરવું.


બાળકોને ઠંડીથી બચાવવા માટે તેઓનું ખાસ ધ્યાન રાખવું. બાળકને ઠંડી હવાથી બચાવો અને લાંબા સમય સુધી ઠંડીમાં ન રહેવા દો. બાળકોના માથા, ગળા, છાતી અને હાથ-પગને સારી રીતે ઢાંકીને રાખો. બાળકોને એક થી વધારે સ્તરમાં ગરમ કપડાં પહેરાવો. બાળકોનું શરીરનું તાપમાન તપાસતા રહો. અતિશય ધ્રુજારી, વારંવાર ઉલટી અથવા ઉબકા, સુસ્તી અથવા જો તમે બેભાન થઈ જવાના લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.


કોલ્ડ વેવથી બચવા માટે જરૂરી તૈયારીઓ માટેની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવા માધ્યમો સાથે જોડાયેલા રહીને સરકાર દ્વારા આપવામાં આવતી સલાહને અનુસરો. ગરમ કપડાં પૂરતી માત્રામાં રાખો. આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ, પાણી, બળતણ, બેટરી ચાર્જર ઇમરજન્સી લાઇટ અને જરૂરી દવાઓ તૈયાર રાખો.


શીત લહેર દરમિયાન પૂરતા ગરમ કપડાં પહેરો. ચુસ્ત કપડાં ન પહેરો, તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. તેથી લૂઝ-ફિટિંગ અને સુતરાઉ કપડાં બહારની તરફ અને ઊની કપડાં અંદરની તરફ પહેરો. આ દરમિયાન શક્ય તેટલું ઘ૨ની અંદર રહો અને જો અતિ આવશ્યક જરૂરીયાત હોય જ તો ઘ૨ની બહાર નીકળો. કોવિડ-19 અને અન્ય શ્વસન સંબધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો.


શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ અને નિયમિત ગરમ પ્રવાહી પીઓ. શીતલહેર દરમિયાન વિવિધ પ્રકારના રોગોની શક્યતાઓ વધુ હોવાથી ફલૂ, શરદી, ઉધરસ અને શરદી વગેરેના લક્ષણો જોવા મળે તો સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડૉક્ટરનો સંપર્ક કરો.


અતિશય ઠંડી દરમિયાન ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, શ્વસન સંબંધી રોગો જેવા ક્રોનિક રોગોવાળા દર્દીઓ, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ વિગેરેની ખાસ કાળજી લેવી જોઈએ. ભારે ઠંડીમાં શક્ય હોય ત્યાં સુધી પાલતુ પ્રાણીઓને ઘરની અંદર રાખો. અતિશય ઠંડીથી પ્રભાવિત શરીરના ભાગને મસાજ ન કરો તેનાથી વધારે નુકસાન થઈ શકે છે. શીત લહેરમાં ભારે ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા સખત અને સુન્ન થઈ શકે છે. હાથ અને પંજા, નાક અને આંગળીઓ જેવા શરીરના ભાગો પર લાલ ફોલ્લા થઈ શકે છે. શરીરનો ભાગ મરી જવાથી ત્વચાની લાલાશ કાળી થઈ શકે છે, તે ખૂબ જ જોખમી અને ખતરનાક છે જેને ગેંગરીન રોગ કહેવાય છે. આ માટે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.


હાયપોથર્મિયાના લક્ષણો જેવા કે શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું થવું, ધ્રુજારી કે કંપારી જે બંધ ન થવી, યાદશક્તિ ગુમાવવી, મૂર્છા આવવી બેભાન થવું, અસ્પષ્ટ વાણી વગેરે લક્ષણો જોવા મળે તેવા કિસ્સામાં, યોગ્ય સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. શીતલહેર સંપર્કથી હિમ લાગવાથી ચામડીનું સૂજવું (Frostbite)નાં કારણે શરીરના અંગો, આંગળીઓ અને અંગૂઠા સુન્ન થઈ જાય છે, નાક અને કાનની ચામડીનો રંગ સફેદ કે પીળો થઈ જાય છે, જે આવા લક્ષણો જોવા મળે, તો તરત જ ડોક્ટરની સલાહ લો. શીતલહેર સંબંધિત પ્રાથમિક સારવાર વિશે વધુ માહિતી માટે NDMA એપને અનુસરો.

ઇમરજન્સીમાં કોઈપણ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર લઈ જવા મફત એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે નંબર 108 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application