6.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું, રાજકોટમા 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું

  • December 15, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. નલિયામાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ યથાવત્ રહેશે. આજે પણ બર્ફિલા પવનો ફૂંકાવાની આગાહી છે. ઠંડકનો અનુભવ થશે. તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે.​​​​​​​


નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયું હતું. જેમાં નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખુલવા લાગી છે. અમદાવાદમાં ઠંડા પવનો હતા, પરંતુ રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયું હતું, જેમાં અમરેલીમાં 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


વડોદરાનો પારો 10 ડિગ્રી રહેવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યમાં હિમવર્ષાની અસર પણ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે. ત્યારે વડોદરામાં આજેપણ ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application