જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સથી અન્યત્ર ખસેડો: ધારાસભ્ય દર્શિતા શાહનો પ્રસ્તાવ, મેયરનો ટેકો

  • May 16, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી, દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી આ માંગણી દરખાસ્તને ટેકો આપતો સુર પુરાવ્યો હતો.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મે માસની ફરિયાદ તથા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના મોકડા વોકળા પરના દબાણ, જર્જરિત બિલ્ડીંગો ડીસમેન્ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે લોકમેળાનું સ્થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવા, રાજકોટ શહેરમાં આઈ.ટી. પાર્ક બનાવવા અંગે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા, વોટસન મ્યુઝિયમના રીનોવેશન વગેરે બાબતો અંગેની રજૂઆત કરી હતી. પદ્મકુંવરબા હોસ્પિટલના કેમ્પસની સફાઈ અને એમ.એસ.એમ.ઈ. વિભાગ અંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર શ્રી એન. કે. મુછારે કર્યું હતું.

આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા વિમલ ચક્રવર્તી, રાહુલ ગમારા અને ચાંદની પરમાર, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર ઈશિતા મેર, તથા સમિતિના અન્ય સભ્ય તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application