કોરાટ ચોકડી પાસે ટ્રકે બે સ્કૂટરને ઠોકરે લેતા સાસુ-વહુના મોત: પિતા-પુત્રને ઇજા

  • May 05, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગોંડલ રોડ પર કોરાટ ચોકડી પાસે રાત્રે કાળમુખા ટ્રકે બે સ્કૂટરને અડફેટે લેતા ગોંડલના સાસુ-વહુના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જયારે પિતાપુત્રને સામાન્ય ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. પરિવાર રાજકોટમાં રહેતા સગાના ઘરે જનોઈ પ્રસંગમાં આવ્યો હતો અને પ્રસંગ પૂરો કરી રાત્રીના બે સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા જેમાં એક બાઈક પિતા પુત્ર અને બીજુ સ્કૂટર સાસુ-વહુ ચલાવતા હતા. પાછળથી કોઈ વાહન આવે છે કે નહીં એ જોવા બંને સ્કૂટર ઉભા રાખતા પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે બંને સ્કૂટરને ઉલાળતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારમાં પુત્રવધુ અને સાસુના અકાળે મૃત્યુથી બાવાજી પરિવારમાં આક્રંદ સર્જાયો છે. બનાવને પગલે શાપર પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના કૈલાસબાગ-7માં રહેતા મનોજભાઈ હરદાસભાઇ બાવનીયા (ઉ.વ.52) તેના પત્ની જ્યોતિબેન (ઉ.વ.49), તેનો પુત્ર વ્યોમ (ઉ.વ.25) અને તેની પત્ની જાહન્વીબેન (ઉ.વ.23) ચારેય બે સ્કૂટરમાં રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રાજકોટથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે કોરાટ ચોકડીથી રોડ પર ચડવા માટે પાછળથી કોઈ વાહન આવે છે કે નહીં એ જોવા માટે સ્કૂટર ઉભું રાખતા પાછળથી બંબાટ આવતા ટ્રકે સ્કૂટરને ઉલાળતા સાસુ-પુત્રવધુ 500 મીટર સુધી ફંગોળાતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જયારે પિતા પુત્રને સામાન્ય ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા શાપર પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.


મૃતક જ્યોતિબેનના પતિ મનોજભાઈ પંતજલિ સ્ટોર્સમાં કામ કરે છે અને પુત્ર વ્યોમ ગોંડલ નજીક ટર્બો કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેના મૃતક જાન્હવીબેન સાથે લગ્ન થયાને એક વર્ષ થયું હતું.

ગઈકાલે પુત્રવધુ જ્હાનવીબેનના બહેન રશ્મિબેનના દીકરા રીષિની જનોઈનો પ્રસંગ કટારીયા ચોકડી પાસે પાર્ટી પ્લોટમાં હોવાથી પરિવાર બે સ્કૂટરમાં રાજકોટ આવ્યો હતો. અને રાત્રીના પ્રસંગ પૂરો કરી પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસે પૂર્વે જ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. પરિવારજનોએ હિટ એન્ડ રનનો ગુનો નોંધવા માંગણી કરી હતી. એક જ ઘરમાં સાસુ-પુત્રવધુની એકી સાથે અરથી ઉઠતા પરિવારમાં અશ્રુઓનો સાગર વહ્યો હતો. આગળની તપાસ શાપર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application