વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ ૨૦૨૪-૨૫થી બંધ કરવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૪ના ઠરાવથી વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષથી આ યોજના હેઠળ માત્ર મેનેજમેન્ટ ક્વોટા હેઠળ અપાતી શિષ્યવૃત્તિ યોજના બંધ કરવામાં આવી છે. જ્યારે એ પહેલાં વર્ષ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪માં પ્રવેશ મેળવનારા મેનેજમેન્ટ ક્વોટા સહિત તમામ ક્વોટાના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જેથી આવા એક પણ વિદ્યાર્થીના અભ્યાસને અસર થશે નહીં, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ અંગે મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ કે જેઓની માતા-પિતા વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખ સુધીની હોય તેઓને આ યોજના હેઠળ ૭૫:૨૫ના ધોરણે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સામાન્ય વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ નિયત કરવામાં આવી છે. જ્યારે રૂ.૨.૫૦ લાખથી વધુ કૌટુંબિક આવક ધરાવતી કન્યાઓ માટે વર્ષ ૨૦૦૮થી રાજ્ય સરકાર દ્વારા ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ અન્વયે શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે.
દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તા. ૦૧ એપ્રિલ, ૨૦૨૨ની અસરથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના ઠરાવ મુજબ મેનેજમેન્ટ ક્વોટા સંદર્ભેની સૂચનાઓના કારણે નવા વર્ષમાં પ્રવેશ મેળવેલા આદિજાતિના વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે વિધાર્થીઓના હિતને ધ્યાને રાખી, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૫ એપ્રિલ, ૨૦૨૪ના પત્રથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪માં પ્રવેશ મેળવનારા તમામ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તથા વધુ આવક ધરાવતી કન્યાઓ માટે પણ જૂની ગાઇડલાઇન પ્રમાણે ચૂકવણું કરવા મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટાની વિગતો આપતાં મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ના નોટિફિકેશનથી પ્રોફેશનલ ટેકનિકલ કોર્ષ ચલાવતી બિન- અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના ૫૦ ટકા સરકારી ક્વોટા, જ્યારે ૧૫ ટકા એનઆરઆઈ ક્વોટા સહિત ૫૦ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે નિયત કરવામાં આવે છે.
આ જ પ્રકારે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૧૨ જૂન, ૨૦૧૮ના નોટિફિકેશનથી પ્રોફેશનલ નર્સિંગ અને અલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્ષ ચલાવતી બિન-અનુદાનિત કૉલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના ૭૫ ટકા સરકારી ક્વોટા, જ્યારે ૧૫ ટકા એનઆરઆઈ ક્વોટા સહિત ૨૫ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે નિયત કરવામાં આવી છે.
જે અંતર્ગત, સ્વનિર્ભર સંસ્થાઓમાં ચાલતા પ્રોફેશનલ ટેકનિકલ અને મેડિકલ/પેરામેડિકલ કોર્ષમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા સરકારી બેઠકો, મેનેજમેન્ટ બેઠકો અને NRI બેઠકોની અલગ-અલગ ફી નિયત કરવામાં આવે છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આપવામાં આવતાં ફ્રી શીપ કાર્ડ અંગે વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ વિદ્યાર્થીઓ ફી ભર્યા સિવાય કૉલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી કૉલેજને બાંહેધરી તરીકે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૨,૯૧૪ વિદ્યાર્થીઓને રૂ.૨૨૧.૪૩ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૬,૮૧૮ વિદ્યાર્થીઓને રૂ.૧૨૯.૫૮ કરોડ, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮,૮૦૪ વિદ્યાર્થીઓને રૂ.૨૭૧.૫૧ કરોડની રકમની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૮,૧૭૮ વિદ્યાર્થિનીઓને રૂ.૬૮.૯૯ કરોડ, ૨૦૨૨-૨૩માં ૬,૪૧૨ વિદ્યાર્થિનીઓને રૂ.૭૧.૮૪ કરોડ, ૨૦૨૩-૨૪માં ૪,૮૫૨ વિદ્યાર્થિનીઓને રૂ.૬૨.૬૩ કરોડ એમ છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૧૯,૪૪૨ વિદ્યાર્થિનીઓને રૂ.૨૦૩.૪૭ કરોડની રકમની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે તેમજ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં ૩,૩૫૬ વિદ્યાર્થિનીઓને રૂ.૫૯.૪૮ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે અને હાલ પણ ચૂકવણીની પ્રક્રિયા ચાલું છે તેમ મંત્રી ડીંડોરે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર :108ના કર્મચારીઓની પ્રામાણિકતા....69 હજાર રોકડા અને મોબાઈલ ઇજાગ્રસ્ત દર્દીના સગાએ પરત કર્યા
February 25, 2025 06:31 PMજામનગરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં અદભુત રોશની કરવામાં આવી
February 25, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech