રાજકોટના આંગણે મોરારીબાપુની રામકથા આરંભાશે

  • November 20, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ખાતે મોરારીબાપુ દ્વારા ૨૩ ડિસેમ્બર, શનિવારથી "માનસ સદ્ભાવના" શિર્ષક અંતર્ગત રામકથાનું મંગલ ગાન આરંભાઇ રહ્યું છે. તલગાજરડી વ્યાસપીઠના કુલ કથાક્રમની આ ૯૪૭ મી કથા તેમ જ રાજકોટ ખાતેની બાપુની આ સાતમી કથા છે. 
બાપુના વ્યાસાસને રાજકોટ ખાતે સહુ પ્રથમ રામકથા ૨૨-૧૧-૧૯૭૬ માં યોજાઇ હતી, જે કુલ કથાક્રમની  ૧૩૭મી કથા હતી. ત્યારબાદ ૨૫૯મી કથા ૨૬-૩-૧૯૮૨ના રોજ અને ૩૪૯ મી કથા ૨૦-૯-૧૯૮૬ના રોજ આરંભાઇ હતી. એ પછી ૧૨-૯-૯૮ એ રાજકોટની ચોથી રામકથા "માનસ મુદ્રિકા" અંતર્ગત ગવાઇ, જે કુલ કથા ક્રમની ૫૪૩મી કથા હતી. ૬૬૨મી કથા "માનસ વાલ્મિકી" ૨૦-૩-૨૦૦૭ માં યોજાઇ અને રાજકોટની છઠ્ઠી તેમ જ કુલ કથા ક્રમની ૭૩૧મી કથા "માનસ હરિહર" નામાભિધાન સાથે ૧૪-૪-૨૦૧૨ માં થઇ હતી. 
આ કથા સદ્ભાવના ટ્રસ્ટના લાભાર્થે થઇ રહી છે. વિજયભાઇ ડોબરિયા દ્વારા સ્થાપિત અને સંચાલિત એવા સદ્ભાવના ટ્રસ્ટના બે ઉદ્દેશ્ય છે. એક તો નિ:સંતાન, નિર્ધન, અશક્ત, રોગીષ્ટ અને નિરાધાર વૃદ્ધજનોની સાર સંભાળ અને સેવા સુશ્રુષા માટે વૃદ્ધાશ્રમનો વિસ્તાર કરવો અને બીજું, રાષ્ટ્રમાં આગામી વર્ષોમાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવીને એનો ઉછેર કરવો. સમગ્ર ભારત વર્ષને હરિયાળું બનાવવા માટે એકસો પચાસ કરોડ વૃક્ષો ઉછેરવાનું મહા કાર્ય આ ટ્રસ્ટ કરવા ઇચ્છે છે. 
૧૫ ઓગસ્ટ ૨૦૧૫માં પાંચ  વૃદ્ધોથી શરુ થયેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આજે ૬૦૦ નિ:સહાય વૃદ્ધો સન્માન સાથે સારવાર મેળવીને જીવી રહ્યા છે. ટ્રસ્ટે દેશભરના આવા વૃદ્ધોને સાચવવા માટે ૩૦ એકર જગ્યા ખરીદી લીધી છે. જેમાં ૩૦૦ કરોડના ખર્ચ સાથે, તમામ આધુનિક સુવિધાઓ ધરાવતી ૧૪૦૦ રૂમો બાંધીને એમાં ૫૦૦૦ વૃદ્ધ માવતરને સમાવી લેવાનું આયોજન છે. માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવાના હેતુથી "માનસ સદ્ભાવના" રામકથા યોજાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News