જામનગરમાં રાક્ષસી વ્યાજ વસુલી વેપારીને અપાતી ધમકી

  • May 18, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮.૮૦ લાખનું ૨૦.૨૭ લાખ જેટલુ ચુકવણું છતા પઠાણી ઉઘરાણી : જામનગર અને કાલાવડના ત્રણ વ્યાજખોર સામે ફરીયાદ

જામનગર સહિત રાજયમાં વ્યાજના દુષણને ડામવા ગત મહીનાઓમાં પોલીસ વિભાગ દ્વારા અસરકાર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરુપે અસંખ્ય ફરીયાદોમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, દરમ્યાનમાં જામનગરના રણજીતનગરના વેપારી યુવાને વ્યાજે લીધેલી ૮.૮૦ લાખની રકમનું ૨૦.૨૭ લાખ જેટલી રકમ ચુકવી દેવા છતા પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપનારા જામનગર શંકરટેકરી અને કાલાવડના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના રણજીતનગર નવો હુડકો બ્લોક નં. જે/૨ ખાતે રહેતા વેપારી પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા (ઉ.વ.૩૬) નામના યુવાને આરોપીઓ પાસેથી સને ૨૦૧૯થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં કુલ રુા. ૮.૮૦ લાખ જેટલી રકમ અલગ અલગ સમયે વ્યાજે લીધી હતી.
જેના બદલમાં પૃથ્વીરાજસિંહે આજ સુધી કુલ રુા. ૨૦.૨૭ લાખ જેટલી રકમ વ્યાજ પેટે ચુકવી આપેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસેથી મુળ મુદલ રકમ તથા વધુ વ્યાજના રુપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને એકબીજાને મદદગારી કરી હતી.
દરમ્યાનમાં પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગર શંકરટેકરીમાં રહેતા ભયલુભા વાળા, ધર્મેન્દ્રસિંહ વાળા તથા કાલાવડના શકિતસિંહ વાળા આ ત્રણેયની વિરુઘ્ધ ગુજરાત મનીલેન્ડસ એકટ અને આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
૮.૮૦ લાખ જેટલી રકમનું અધધ ૨૦.૨૭ લાખ ચુકવી દેવા છતા આરોપીઓએ પઠાણી ઉઘરાણી કર્યાનો મામલો પોલીસ મથકે પહોચતા ચકચાર વ્યાપી છે, ઉપરોકત ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ વાઘેલાની સુચનાથી પીએસઆઇ વી.બી. બરબસીયા દ્વારા આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહીનાઓમાં પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામી દેવા ઝુંબેશ આદરવામાં આવી હતી જેના ભાગરુપે અસંખ્ય ફરીયાદો થતા પોલીસ દ્વારા વ્યાજખોરોને પકડી પાડવામાં આવ્યા હતા, વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો લોકદરબારમાં આગળ આવ્યા હતા, ફરીયાદો કરી હતી પરિણામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારાઓ સામે અસરકાર કાર્યવાહી થઇ હતી દરમ્યાનમાં વ્યાજખોરો સામેની ફરીયાદો યથાવત રહી છે અને વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application