જામનગર: પશુ સંવર્ધન ક્ષેત્રે વિજ્ઞાનનો ચમત્કાર-સેકસ્ડ સીમેન ટેકનોલોજી

  • December 20, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પશુ સંવર્ધન ક્ષેત્રે વિજ્ઞાનનો ચમત્કાર-સેકસ્ડ સીમેન ટેકનોલોજી

સેક્સડ સીમેન ડોઝનાં ઉપયોગ વડે ૯૦ ટકાથી વધુ કિસ્સાઓમાં વાછરડી-પાડીનો જન્મ શક્ય બને છે

સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટેની ફી રાજ્ય સરકાર દ્વારા રૂ.૩૦૦ થી ઘટાડી રૂ.૫૦ કરાઈ છે

પશુ દવાખાના, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો કે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે કોઈપણ પશુપાલક પોતાના પશુમાં લિંગ નિર્ધારીત વિર્યના ડોઝથી બીજદાન કરાવી શકે છે

ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ સેક્સ્ડ સીમેન ટેકનોલોજી(લિંગ નિર્ધારિત વીર્ય) પશુ સંવર્ધન ક્ષેત્રે વિજ્ઞાનનો ચમત્કાર છે જે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

સેક્સ્ડ સીમેન (લીંગ નિર્ધારીત વિર્ય) એટલે શું?

પશુ નરબીજમાં બે પ્રકારના શુક્રાણુઓ હોય છે."Y" (વાય) રંગસુત્ર ધરાવતા શુક્રાણું માદાના બીજને ફલીત કરે ત્યારે નર (Male) બચ્ચાનો જન્મ થાય છે, અને "X" (એક્સ) રંગસૂત્ર ધરાવતા શુક્રાણું માદાના બીજને ફલીત કરે ત્યારે માદા (Female) બચ્ચાનો જન્મ થાય છે. આમ કુદરતી રીતે નરના વિર્ય (સીમેન)માં બન્ને રંગસૂત્ર ("X" અને "Y") ધરાવતા શુક્રાણુંઓનું પ્રમાણ એક સમાન હોઈ નર કે માદા બચ્ચા આવવાની સંભાવના ૫૦-૫૦% રહેલ છે. જ્યારે સેક્સ્ડ સીમેન એટલે કે લીંગ નિર્ધારીત વિર્યના ઉપયોગથી આશરે ૮૫% થી ૯૦% ચોકસાઈ સાથે ઈચ્છા અનુસારના બચ્ચા મેળવવાનું શકય બન્યું છે.


સેક્સ્ડ સીમેનના ફાયદાઓ

પશુપાલક દાણ, ખાણ કે ઘાસચારા જેવા ઉપલબ્ધ મર્યાદીત સ્રોતોનો ઉપયોગ ફક્ત માદા પશુઓના ઉત્તમ પાલન પોષણ માટે કરી દુધ ઉત્પાદન તથા આવકમા વધારો કરી શકે છે. પશુપાલકોએ નવા પશુ ખરીદવા પડતા નથી અને બહારથી ખરીદાતા પશુઓથી ફેલાતા રોગોને અટકાવમાં મદદ મળે છે.વધુ માદા બચ્ચાઓના જન્મથી વાછરડી કે પાડીઓનું વેંચાણ કરી આવકમાં વધારો કરી શકાય છે. આનુવાંશિક નસ્લ સુધારણા ઝડપથી હાંસલ કરી શકાય છે.પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ(P.T.Programme), એમ્બ્રીયો ટ્રાન્સફર પ્રોગ્રામ (E.T.Programme), ઇન વીટ્રો ફર્ટીલાઈઝેશન (L.V.F.Programme) ની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સેકસ્ડ સીમેનના ઉપયોગથી મુખ્યત્વે માદા બચ્ચાઓના જન્મ થવાથી પશુઓમાં વિયાણ સમયે થતી તકલીફમાં ઘટાડો થાય છે.

સેક્સ્ડ સીમેનના ઉપયોગમાં રાખવાની સાવચેતીઓ

તંદુરસ્ત તથા નિયમિતપણે ગરમીમાં આવતી વોડકીઓ કે માદાપશુઓમાં ઉપયોગ કરવાથી ઈચ્છિત પરીણામો મળે છે. લિંગ નિર્ધારીત વિર્યના ડોઝની કિંમત વધારે હોઈ કુશળ અને અનુભવી કૃત્રિમ બિજદાન કાર્યકરો થકી બીજદાન કરાવવું.

સેક્સ્ડ સીમેનના ડોઝ કયાં મળશે?

રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ખાતાના પશુ દવાખાના, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે લિંગ નિર્ધારીત વિર્યના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.સદર કેન્દ્રો ખાતેથી કોઈ પણ પશુપાલક નિયત રૂા.૫૦ ફી ચુકવી પોતાના પશુમાં લિંગ નિર્ધારીત વિર્યના ડોઝથી બીજદાન કરાવી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application