દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ મેઘરાજાનો પ્રકોપ:

  • July 20, 2024 11:41 AM 

દ્વારકામાં 15 ઈંચ વરસાદથી વ્યાપક હાલાકી: દ્વારકામાં સાંજે બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો: જનજીવન અસ્તવ્યસ્ત



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે શુક્રવારે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ભારે હાલાકીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ સાથે દ્વારકા તાલુકો કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. આ સાથે દ્વારકામાં ગત સાંજે બે કલાકમાં સાંબેલાધારે 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ભારે હાલાકીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.


કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂપે કુલ સાડા 5 ઈંચ જેટલો (134 મી.મી.) વરસાદ વરસી ગયો હતો હતો. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થઈ ગયા હતા.


- દ્વારકામાં નભ નિચોવાયું: 15 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત -


       દ્વારકામાં ગત સાંજે આભ ફાટ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે સાંજે ચાર થી છ વાગ્યે દરમિયાન ધોધમાર 10 ઈંચ સાથે છેલ્લા પાંચેક કલાકમાં આશરે 12 ઈંચથી વધારે વરસાદ પડતા દ્વારકા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવું ચિત્ર ખડું થયું હતું.


      દ્વારકાના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક સ્થળે નીચાણવાળા ભાગોમાંથી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઇસ્કોન ગેઈટ, ગુરુદ્વારા, તોતાદ્રી મઠ જેવા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકામાં આજે સવારે 24 કલાક દરમિયાન 15 ઈંચ જેટલો (372 મી.મી.) વરસાદ નોંધાયો છે.


- કલ્યાણપુરમાં 36 કલાકમાં સાંબેલાધારે 16 ઈંચ વરસાદ: એનડીઆરએફની ટીમનું આગમન -


       કલ્યાણપુરના ભારે વરસાદના કારણે બતડીયા, ભાટિયા, રાવલ, ધતુરીયા, ટંકારીયા, રાજપરા, વીગેરે ગામોમાં પણ આઠથી દસ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ છે. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોના ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તાલુકાના લીંબડીથી દ્વારકા વાયા ચરકલા જતે રસ્તે રેણુકા નદીમાં પુર આવતા આ રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ભાટિયાના કાલેશ્વર મહાદેવ પાસેના વિસ્તારોના અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તાલુકાના હરીપર ગામ પાસે આવેલું એક તળાવ તૂટતા આ ધોધમાર વરસાદના પગલે હરીપર ગામથી પાનેલી તરફ જતા માર્ગે ઊર્જા વિભાગની એક બોલેરો પાણીના કાઢીયામાંથી પસાર થતી વખતે ધોધમાર વહેણના કારણે તણાવવા લાગી હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.


ભારે વરસાદના પગલે લીંબડી - ચરકલા - દ્વારકા રોડ પર પાણી ફરી વળતા રસ્તો લાંબો સમય આ રસ્તો બંધ રહ્યો હતો. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ભારે વરસાદના કારણે સાવચેતીના પગલાં રૂપે એન.ડી.આર.એફ.ની ટીમનું આગમન થયું હતું અને તેમણે જરૂરી મોરચો સંભાળ્યો હતો.


- ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ: નદીનાળા તરબતર -


    ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ જારી રાખેલા મુકામમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. આમ, ખંભાળિયા તાલુકામાં 3 ઈંચ (76 મી.મી.) વરસાદ નોંધાયો હતો. જો કે ગતસાંજથી માત્ર હળવા ઝાપટા જ વરસ્યા હતા. ખંભાળિયા તાલુકાના જામનગર પટ્ટીના વાડીનાર, ભરાણા વિગેરે ગામમાં બે દિવસમાં 8 થી 10 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાણવડ પટ્ટીના ગામોમાં ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યાના વાવડ છે.


ખંભાળિયા નજીકના ગોઇંજ પાસે પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેથી ગ્રામ્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં સસરાચર વરસાદના કારણે નાના-મોટા જળ સ્ત્રોતો મહદ અંશે ભરાઈ ગયા હતા.


- ભાણવડ તાલુકામાં વરસાદી ઝાપટ: 5 મી.મી. -


      ભાણવડ પંથકના ગઈકાલે દિવસ દરમિયાન માત્ર હળવા તથા ભારે ઝાપટા વરસ્યા હતા. જેથી માત્ર 5 મી.મી. પાણી વરસ્યું હતું. હાલ આ વિસ્તારના જળસ્ત્રોતોમાં વ્યાપક પ્રમાણમાં પાણી સંગ્રહિત છે


- જિલ્લામાં કુલ વરસાદના આંકડા -


       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38 ઈંચ (951 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 35 ઈંચ (869 મી.મી.), દ્વારકા તાલુકામાં 33 ઈંચ (814 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 20 ઈંચ (481 મી.મી.) વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 31 ઈંચ સુધી પહોંચ્યો છે.

      જિલ્લાના અનેક ગામોમાં ગુરુવારે રાત્રે ભારે વીજળીના ગગડાટ અવિરત રીતે રહ્યા હતા. પરંતુ ભગવાન દ્વારિકાધીશે જાણે જિલ્લાની રક્ષા કરી હોય તેમ કેટલાક મકાન કે વીજ ઉપકરણોને નુકસાની બાદ કરતા કોઈ મોટી જાનહાની કે નુકસાની થઈ ન હતી. આ સાથે જિલ્લા પ્રશાસન પણ તમામ વ્યવસ્થા માટે અવિરત રીતે સક્રિય રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News