કાલાવડ પંથકના ગામડાઓમાં વિજળીના કડાકા-ભડાકા સાથે કરા પડયા: ખંભાળીયામાં તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, હોર્ડીંગ્સ ઉડયા, અડધો ઇંચ: ઓખામંડળ વિસ્તારમાં મધરાત્રે ૨ વાગ્યે તોફાની પવન, વિજળીના જોરદાર ચમકારા સાથે ખાબકયું માવઠું: ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર પંથકમાં પણ ઝાપટા
રાજયના હવામાનમાં એકાએક બદલો આવ્યો છે, આગાહી મુજબ કેટલાક ગામોમાં ભારે વરસાદ અને કરા પડયા છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામોમાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા બાદ કરા પડયા છે, ખંભાળીયામાં અડધો ઇંચ ધ્રોલ, જોડીયા અને કલ્યાણપુરમાં ભારે ઝાપટા અને મધરાત્રે ૨ વાગ્યે ઓખામંડળના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જયારે ખંભાળિયામાં પણ અડધો ઇંચ વરસાદ પડયો છે, જોડિયામાં ૪ અને ધ્રોલમાં ૩ મી.મી. વરસાદ થયો છે. આમ જામનગર જિલ્લાના મહત્તમ તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે, તોફાની પવનની સાથે ખેડુતોને માવઠાનો માર પડયો છે, આજે પણ હાલારમાં માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડુતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે. ખંભાળિયામાં મધરાત્રે તોફાની પવને ખાનાખરાબી સર્જી હતી.
ગઇકાલે સાંજે કાલાવડ તાલુકાના કેટલાક ગામડાઓમાં ભારે વરસાદી ઝાપટા સાથે મોટા-મોટા કરા પડયા હતાં, બાલંભડી, નિકાવા, આણંદપર, શીશાંગ સહિતના ગામોમાં ધુળની ડમરી ઉડયા બાદ ૬૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો અને થોડો સમય કર્યા પડયા હતાં. ગામડાઓમાં માર્ગો ભીના થયા હતાં અને એકાએક વરસાદી ઝાપટા પડતાં ખેડુતોના ઉનાળુ પાકને ભારે નુકશાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે. કાલાવડ પંથકના કેટલાક ગામડાઓમાં વિજળીના વાયરો તુટી ગયાની ફરિયાદ પણ સામે આવી છે અને ૩ થી ૪ કલાક વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી.
ઓખામંડળ વિસ્તારમાંથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે મોડી રાત્રે ૨ વાગ્યા આસપાસ ભારે વરસાદી પવન ફુંકાયો હતો, વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જોરદાર ઝાપટાને કારણે માર્ગો ઉપર પાણી ચાલ્યા ગયા હતાં, ઓખા, બેટ દ્વારકા, ભીમરાણા, સુરજકરાડી, ગઢેચી સહિતના ગામોમાં વરસાદના ભારે ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે વરસાદ પડતાં થોડો સમય પણ ભયભીત થઇ ગયા હતાં, એકાએક વરસાદને કારણે ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે. તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે, આજે પણ ઓખામંડળ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં પણ વિજળીના ભારે કડાકા-ભડાકા થયા હતાં, એટલું જ નહીં એકાદ સ્થળે વિજળી પડી હોવાનું પણ બહાર આવ્યું છે, પરંતુ ક્ધટ્રોલ મ તરફથી આવી કોઇ માહિતી આપવામાં આવી નથી. જામનગરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, વાદળો ઘેરાયા છે અને આજે પણ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ખંભાળીયામાં મીનીટોમાં માવઠાએ સર્જી ખાનાખરાબી
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ નોંધપાત્ર પલટો આવ્યો હતો. આ સાથે ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. ખંભાળિયા પંથકમાં ગત સાંજથી પ્રસરી ગયેલી ઠંડક તેમજ વાદળોની જમાવટ વચ્ચે ગતરાત્રે આશરે બે વાગ્યાના સમયે વાતાવરણ પલટાયું હતું અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે તેજ ગતિએ જોરદાર પવન ફૂંકાયો હતો.
આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રીના વાઝડી અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો. વંટોળિયા જેવા પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, ભારે પવન ઉપાડતા અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ભારે પવનના કારણે અનેક સ્થળોએ મરચાં-મસાલા તેમજ ફ્રુટ, શાકભાજીના મંડપ (પંડાલ) પણ ઉખડી ગયા હતા. ગત મધ્યરાત્રે વીજળીના કડાકા ભડાકા થતા ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફળતા જાગી ગયા હતા.
કમોસમી વરસાદ તેમજ ભારે પવનને પગલે રાત્રિના સમયે શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સવારે પણ અનેક સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવન તેમજ વરસાદના પગલે કાળઝાળ ગરમીના દિવસોમાં હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગત રાત્રિના કમોસમી માવઠાના કારણે ખંભાળિયા તાલુકામાં ૧૨ મી.મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો છે. કમોસમી માવઠાના પગલે ખેતરોમાં રહેલા પાકને પણ નુકસાની થવા પામી હતી. આજે સવારે પણ વાદળોની આવન-જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા.
હાલારમાં કયા ઉનાળુ પાક પર ખતરો
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ભારે વરસાદી ઝાપટા પડયા હતાં, જેના કારણે ઉનાળુ પાક બાજરી, મગફળી, કેરી, તલી, અડદ, મગ, ડુંગળી, લસણને નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે, કેટલાક ખેડુતોએ લસણ, ડુંગળી અને કેરીનો તૈયાર થયેલો પાક બહાર રાખ્યો હતો જેને કારણે આ પાક પલળી ગયો હતો, ખેડુતોને આર્થિક નુકશાન થયું હોવાનું જાણવા મળે છે, હજુ પણ આજે વરસાદની આગાહી છે, ખેડુતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે અને તંત્ર એલર્ટ બન્યું છે.