ટીપીમાં ભયંકર ભ્રષ્ટ્રાચાર: ખુદ ભાજપના કોર્પેારેટરોનો આક્ષેપ

  • January 24, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટરોની પાર્ટી સંકલનની મિટીંગમાં ૧૦થી વધુ કોર્પેારેટરોએ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સમક્ષ એવો બળાપો ઠાલવ્યો હતો કે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં બેફામ ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે અને ટીપી સ્ટાફ તોડ કરવા સિવાય કોઈ પ્રવૃતિ કરતો નથી, પૈસા આપ્યા વિના કામ થતા નહીં હોવાની વ્યાપક ફરિયાદો શહેરીજનોમાંથી લગાતાર કોર્પેારેટરો સુધી પહોંચી રહી છે. વોર્ડ લેવલના સ્ટાફ દ્રારા તોડ કરાતો હોવાની ફરિયાદ અધિકારી અને ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવામાં આવે ત્યારબાદ પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. જો કોર્પેારેટર કક્ષાએથી થતી ફરિયાદોનું નિવારણ પણ થતું ન હોય તો સામાન્ય શહેરીજનોના હાલ શું થતાં હશે તેની કલ્પના કરવી રહે. આ પ્રકારના અસંખ્ય ખુલ્લા આક્ષેપો કોર્પેારેટરો તરફથી કરવામાં આવતા ખુદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર પણ સ્તબ્ધ બની ગયા હતા અને આ મામલે પગલા લેવાની ખાતરી આપી હતી તેમજ જરૂર પડે આ માટે તપાસ કમિટીની રચના કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.

સામાન્ય રીતે પાર્ટી સંકલનની બેઠકમાં નાના–મોટા મુદ્દાઓની ચર્ચા થતી હોય છે તેમજ કોઈ અધિકારીઓ કે ઈજનેરો નગરસેવકોને તેમના વોર્ડના વિકાસ કામો બાબતે સહયોગ આપતા ન હોય તો તેની ફરિયાદ થતી હોય છે. પરંતુ આ પ્રકારે ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરવામાં આવે તેવો કદાચ આ પહેલો કિસ્સો બન્યો છે. સંકલન મિટીંગના પ્રારંભે શરૂઆતમાં એક–બે નગરસેવકોએ ટીપી બ્રાંચની આડોડાઈ, ભ્રષ્ટ્રાચાર તેમજ નગરસેવકો સાથે અયોગ્ય વાણી–વર્તન અને વ્યવહારની ફરિયાદો કરી હતી ત્યારબાદ એક પછી એક નગરસેવકોએ પોતાનું મન ખોલ્યું હતું અને ખુલ્લા દીલે ટીપી બ્રાંચમાં થતા ભ્રષ્ટ્રાચારનો જાણે પર્દાફાશ કરવા માગતા હોય તેમ ચેરમેન સમક્ષ એક પછી એક રજૂઆતો થવા લાગી હતી. નગરસેવકોએ પાર્ટી સંકલનની મિટીંગમાં કરેલી રજૂઆતો અને ફરિયાદોનો સારાંશ અને ભાવાર્થ જોઈએ તો તેમાં આ મુજબની રજૂઆતો થઈ હતી જેવી કે કોઈ એક વોર્ડ નહીં પરંતુ શહેરના તમામ ૧૮ વોર્ડ અને તમામ ઝોનમાં ટીપી બ્રાંચ હેઠળના કામો પ્રસાદી આપ્યા વિના થતા નહીં હોવાનું શહેરીજનો નગરસેવકોને કહી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અમુક નગરસેવકોએ એવી ફરિયાદ પણ રજૂ કરી હતી કે ટીપી બ્રાંચ દ્રારા ગેરકાયદે બાંધકામ માટેની નોટિસો તો અપાઈ છે પરંતુ નોટીસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી થતી નથી. કલમ ૨૬૦ (૧) અને ૨૬૦ (૨)ની નોટિસોની બજવણી કરાય છે ત્યારબાદ આખરી નોટિસ પણ અપાય છે પરંતુ ગેરકાયદે બાંધકામો જેમના તેમ રહે છે.

જેના લીધે કોર્પેારેશનની નોટિસની સામાન્ય જનમાનસમાં કોઈ ધાક રહી નથી કે નોટિસને કોઈ ગંભીરતાથી લે નહીં તેવા સંજોગો નિર્માણ થઈ ગયા છે. નોટિસ આપ્યા બાદ કાર્યવાહી નહીં કરવા પાછળનું કારણ સર્વવિદિત છે. જો 'વહિવટ' થઈ જાય તો પગલા લેવાતા નથી અને વહિવટ ન થાય તો ટૂકડીઓ ત્રાટકે છે તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. બાંધકામ પ્લાન ઈનવર્ડ થાય ત્યાંથી શરૂ કરીને કમ્પ્લીશન સટિર્ફિકેટ અપાય ત્યાં સુધીની પ્રક્રિયામાં ડગલે ને પગલે પેપર વેઈટ મૂકવા પડે છે તેવું અરજદારો નગરસેવકોને ફરિયાદ સ્વરૂપે જણાવી રહ્યા છે. વોર્ડ લેવલના સ્ટાફમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને એડિશનલ આસિસ્ટન્ટ ઈજનેર, ડે. ઈજનેર કે એટીપી સહિતનાઓની ફરિયાદ જો ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધી કરવામાં આવે તો પણ કોઈ પગલા લેવામાં આવતા નથી ત્યારે નગરસેવકોએ ફરિયાદ કરવા કયાં જવાનું? તેવો મુદ્દો પણ અમૂક નગરસેવકોએ ઉપસ્થિત કર્યેા હતો.જો નગરસેવકોની ફરિયાદો કે રજૂઆતો ટીપી બ્રાંચમાં ધ્યાને લેવાતી ન હોય તો સામાન્ય શહેરીજનોની ફરિયાદો તો કયાંથી ધ્યાને લેવાતી હશે? આ સહિતની અનેક ગંભીર ફરિયાદો તેમજ આક્ષેપો નગરસેવકોએ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સમક્ષ કરતાં ચેરમેન જયમીનભાઈ ઠાકર ચોંકી ઉઠા હતા અને નગરસેવકોની ફરિયાદ મામલે જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું. અંદાજે દશેક નગરસેવકોએ ઉપરોકત મુજબની ફરિયાદો રજૂ કરી હતી.

નગરસેવકોની રજૂઆતો સાંભળ્યા બાદ ચેરમેન જયમીનભાઈ ઠાકરએ એવો સ્પષ્ટ્ર નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ તમામ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરશે અને નગરસેવકોની રજૂઆતને તેમણે પૂરી ગંભીરતાથી લીધી છે. જરૂર પડે આ મામલે તપાસ કમિટીની રચના કરાશે અને જે કોઈ જવાબદારો હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં પણ કોઈપણ પ્રકારની પાછી પાની કરવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application