જય હનુમાન જ્ઞાન, ગુણ સાગર, જય કપીશ તીહુ લોક ઉજાગરના નાદ સાથે શહેરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાનજી મંદિરે મહાઆરતી સહિતના કાર્યક્રમો: દાંડીયા હનુમાન, ખીરી હનુમાન, પંચમુખી હનુમાન, રોકડીયા હનુમાન સહિતના મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે માતિનંદનનો જન્મદિવસ હરખભેર ઉજવવામાં આવી રહ્યો છે, ઘણા વર્ષો બાદ શનિવારે હનુમાન જયંતિ હોય હાલારના સુપ્રસિઘ્ધ હનુમાન મંદિરોમાં મહાઆરતી, દિપમાળા, નૂતન ઘ્વજારોહણ, બટુક ભોજન, સંતવાણી, માતિ યજ્ઞ, હનુમાનચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, ચોપાઇ, બ્રહ્મભોજન, કળસ દેવ સ્થાપના, વિશિષ્ટ આરતી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જે મંદિરનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન છે તેવા બાલા હનુમાન મંદિરમાં ઘ્વજારોહણ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી હતી, બેટદ્વારકાના દાંડી હનુમાન તેમજ જામનગર શહેર અને જિલ્લાના ફુલીયા હનુમાન, ખીરી હનુમાન, કુન્નડ હનુમાન, જામજોધપુરમાં રોકડીયા હનુમાન, જુના રેલ્વે સ્ટેશન પાસે મોજીલા હનુમાન, પંચમુખી હનુમાન, ખંભાળીયા નાકા બહાર ચૈતન્ય હનુમાન, સૂર્યમુખી હનુમાન, બળીયા હનુમાન, ચાંદીબજારમાં પુરાતન હનુમાન, ગોરડીયા હનુમાન, હઠીલા હનુમાન, ગાંધીનગરમાં કષ્ટભંજન દેવ સહિતના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હનુમાનભકતો હરખભેર ભાગ લઇ રહ્યા છે.
આ ઉપરાંત ગાંધીનગરમાં શાસ્ત્રીનગરમાં બળીયા હનુમાન મીત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે જેમાં તા.૧૧ના રોજ લોકડાયરો યોજાયો હતો, તા.૧૨ના રોજ સવારે ૬ વાગ્યે આરતી થઇ હતી, મહા અન્નકોટ, સાંજે ૫ વાગ્યે બટુક ભોજન, ૭:૩૦ વાગ્યે મહાઆરતી અને સાંજે ૮ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રણજીતનગરમાં રોકડીયા હનુમાન, લીમડાલાઇનમાં લીંબડીયા હનુમાન, બેડીગેઇટ પાસે લીંબડીયા હનુમાન, મીલન સોસાયટીમાં રોકડીયા હનુમાન, બેડેશ્ર્વરમાં ધીરજધર હનુમાન, ખોજાબેરાજામાં ફુલીયા હનુમાન સહિતના હનુમાન મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
કાલે માતિ નંદનના બર્થ-ડેની ઉજવણી કરવા માટે હનુમાન ભકતો ઉપવાસ પણ કરશે અને અનુષ્ઠાન કરીને હનુમાનજીને રિઝવવા પ્રયત્ન કરી રહ્યા છે, શહેરમાં બાલા હનુમાન, દાંડીયા હનુમાન સહિતના મંદિરોને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા છે અને આ તમામ મંદિરોમાં ભકતોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, હનુમાન મંદિરોમાં તેલ, અડદ, આંકડાની માળા ચડાવવામાં આવશે તેમજ કેળા, લાડુ, પેંડા સહિતનો પ્રસાદ પણ ધરવામાં આવશે.
જામનગરમાં બેડેશ્ર્વર ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી આજે કરવામાં આવી રહી છે, જેમાં સવારે ૧૧ વાગ્યે ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ કિર્તન સાંજે ૬ કલાકે, મહાઆરતી ૭ કલાકે તેમજ બટુક ભોજન ૭:૩૦ કલાકે અને મહાપ્રસાદ રાત્રે ૮ વાગ્યે યોજાશે.
ખંભાળીયા નાકા બહાર આવેલ ફુલીયા હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિના દિવસે સવારે સાક્ષાત શ્રી હનુમાન મહારાજ દર્શન આપે છે અને મુકેશ કુબાવત દ્વારા સિંદુરનું રસપાન કરવામાં આવ્યું હતું. જોડીયાના કુંન્નડ ખાતે કુંડલીયા હનુમાન મંદિરમાં દ્રાભિષેક, ચોપાઇ, દોહરા દ્વારા આહુતી, યજ્ઞ, બ્રહ્મભોજન, સમુહ ભોજન, કળશ દેવ સ્થાપના અને નૂતન ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ભકતો હનુમાન મંદિરોમાં અડદ, તેલ, સિંદુર, શ્રીફળ, ચુરમાના લાડુ, બુંદીના લાડુ, કેળા તથા અન્ય ફ્રુટ ભકતો દ્વારા ધરવામાં આવી રહ્યા છે અને તેનું પ્રસાદપે વિતરણ થઇ રહ્યું છે.
ચાંદીબજારના પુરાતત્વ હનુમાન મંદિરમાં અન્નકુટ દર્શન અને રાત્રે ૯ વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે, ચૈતન્ય હનુમાન આર્યસમાજ સામે હનુમાનજીની જન્મજયંતિ નિમિતે દ્રાભિષેક, નૂતન ઘ્વજારોહણ, રામ કીર્તન અને પ્રસાદનું આયોજન ચાલી રહ્યું છે, ઉપરાંત રણજીતનગર જાનકી વલ્લભ મંદિર ખાતે આરતી અને પ્રસાદના કાર્યક્રમ યોજાયા હતાં, જયારે પાટડીયા હનુમાન મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
સુપ્રસિઘ્ધ બેટદ્વારકાના બાલાહનુમાન ખાતે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, સવારના ૫ વાગ્યાથી ભકતો હનુમાનજીને નમન કરી રહ્યા છે, મીઠાપુરમાં ભકતોની ભારે ભીડ વચ્ચે ચમત્કારી હનુમાન મંદિરમાં આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે જયારે ખંભાળીયામાં ફુલેલીયા હનુમાન મંદિર ખાતે પણ સવારથી વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
બાલા હનુમાન અને દાંડીયા હનુમાન ખાતે સવારથી ભકતોની ભીડ...
જામનગર શહેરમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે સવારે ૫ વાગ્યાથી હનુમાન ભકતોની લાંબી-લાંબી કતારો જોવા મળી હતી, ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યો છે તેમજ અવિરતપણે ચાલતી અખંડ રામધૂનમાં ભકતો જયશ્રી રામ અને જયશ્રી હનુમાનના નારા લગાવી રહ્યા છે, જી.જી.હોસ્પિટલ સામે આવેલ દાંડીયા હનુમાનજી મંદિરે પણ સવારે ૬ વાગ્યાથી હનુમાન ભકતોની લાંબી કતાર જોવા મળી છે, આખા મંદિરને શણગારવામાં આવ્યું છે અને ભકતોને લાડુ, કેળા તથા અન્ય પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.